- જિલ્લામાં કોરોનાથી હાહાકાર
- નવા 181 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- શહેરમાં 43 નવા કેસ સાથે કુલ આંક 2,277 પર પહોંચ્યો
- જિલ્લાનો કુલ આંક 7,555 થયો
પાટણ: જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના 100 ઉપર કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે સોમવારે પણ જિલ્લામાં કોરોનાના નવા 181 કેસો નોંધાયા છે. તેમાંય પાટણ શહેરમાં સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. શહેરની સોસાયટી વિસ્તારોમાં કોરોના બેકાબૂ બન્યો છે. જિલ્લાભરમાં પણ અલગ-અલગ તાલુકા વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ધારપુરની મેડિકલ હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યા જોતા અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો: પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં નવા 200 બેડ તૈયાર, પરંતુ ઓક્સિજન જ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પણ કોરોનાએ લપેટમાં લીધા
હાલમાં ધારપુર સિવિલના કોવિડ કેર સેન્ટરની તમામ બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. જેને લઈ બીજા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા લાઈનમાં ઉભા છે. પાટણ શહેરમાં સોમવારે 43 જેટલા કેસો નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં કોરોના પોઝિટિવ આંક 2,277 પર પહોંચ્યો છે. તેમ છતાં શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જામી હતી. એક તરફ તંત્ર લોકોને સરકારી ગાઇડ લાઇનનું પાલન કરાવવા સમજાવી રહ્યું છે તેમ છતાં હજુ પણ લોકો સચેત બનતા નથી. ત્યારે આવી મહામારીમાં લોકોએ સચેત રહી બીજાને પણ સચેત રાખવાની જરુર છે.
આ પણ વાંચો: પાટણમાં કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા રસ્તા પર જ ઓક્સિજન અપાયો
પાટણ તાલુકામાં 24 કેસ નોંધાયા
પાટણ શહેર ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં 24 કેસ, સિદ્ધપુર શહેરમાં 6 અને તાલુકામાં 27 કેસ, રાધનપુર શહેરમાં 10 અને તાલુકામાં 3 કેસ, સાંતલપુર તાલુકામાં 19, સમી તાલુકામાં 16, હારીજ નગરમાં 8 અને તાલુકામાં 5 શંખેશ્વર નગરમાં 1 અને તાલુકામાં 5 કેસ તથા સરસ્વતી તાલુકામાં 5 કેસ નોંધાયા છે. હાલમાં 531 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગમાં છે. જ્યારે 1,039 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.