પાટણઃ શિક્ષક દિન નિમિત્તે જિલ્લાના નવા ગંજ બજાર ખાતે રાજ્યના કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે પાટણ જિલ્લાની શાળાઓમાં ફરજ બજાવતાં 04 શિક્ષકોને જિલ્લા કક્ષાના તેમજ 13 શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ શિક્ષકોને પ્રોત્સાહક ઈનામ રૂપે તાલુકા કક્ષાએ રૂપિયા 5 હજાર તેમજ જિલ્લા કક્ષાએ રૂપિયા 15 હજારની રકમનો ચેક અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જિલ્લાની 4 શાળાઓના આચાર્યોને શ્રેષ્ઠ શાળા પારિતોષિક પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવતાં કેબિનેટ પ્રધાન દિલીપઠાકોરે જણાવ્યું કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને જીવનપર્યત શિક્ષકજીવ રહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સમર્પિત શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનથી તેઓને વધુ સારૂ કામ કરવાની પ્રેરણા મળશે. રાજ્ય કક્ષાએ સન્માન પ્રાપ્ત કરનાર 44 શિક્ષકો પૈકી જિલ્લાના 2 શિક્ષકોનું સન્માન આપણા માટે ગર્વની વાત છે.