પાટણ: જિલ્લામાં રવિવારે નોંધાયેલા 10 કોરોના પોઝિટિવ કેસમાં પાટણના મોટી ભાટિયાવાડ વિસ્તારમાં રહેતાં 51 વર્ષીય પુરુષ, રસણીયાવાડમાં રહેતી 51વર્ષીય મહિલા, યશ નગરમાં રહેતાં 58 વર્ષીય પુરુષ, ટાંકવાડામાં રહેતાં 40 વર્ષીય પુરુષ, કૉલેજ રોડ પર આવેલી મહાવીર નગર સોસાયટીમાં રહેતાં 64 વર્ષીય પુરુષ, સાલવિવાડામાં આવેલી ધાંધલની શેરીમાં રહેતાં 60 વર્ષીય પુરુષ, સુરમયબંગલોઝમાં રહેતી 37 વર્ષીય મહિલા તેમજ અમરનાથ સોસાયટીમાં રહેતાં 53 વર્ષીય પુરુષને તાવ, ખાંસી, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
આ ઉપરાંત હારીજની સ્ટેટ બેન્ક પાસે રહેતાં 55 વર્ષીય પુરુષ અને ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામે રહેતાં 40 વર્ષીય પુરુષને કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલમાં ખસેડી સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. પાટણ શહેર સહિત જિલ્લામાં સૌપ્રથમવાર એક સાથે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 179 થયો છે. જ્યારે શહેરનો આંક 85 પર પહોંચ્યો છે.
પાટણ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને શહેરીજનો ચિંતિત બન્યા છે. ત્યારે જુનાગંજ બજાર, ઘી બજાર અને ઝવેરી બજારના વેપારીઓએ સોમવારથી બપોર બે વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.