સમગ્ર રાજ્યમાં મંગળવારના રોજ ભારે ધામધૂમ પૂર્વક પતંગ પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ નાનાથી માંડીને મોટેરાઓ પતંગના આકાશી પેચમાં વ્યસ્ત બન્યા હતા. ત્યારે આકાશી પેચ દરમિયાન ધારદાર દોરાને કારણે કેટલાક પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે. આવા પક્ષીઓને મંગળવારે પંચમહાલના જિલ્લા પંચાયત વિભાગની ટીમ, વનવિભાગની ટીમ અને 1962ની સંયુકત ટીમ દ્વારા પક્ષીઓને સારવાર આપવા માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભરમાં કોઈ પક્ષી ઘાયલ થાય તો તેને અત્રે ખસેડી તેની સારવાર કરી શકાય આ કેમ્પમાં 4 જેટલા કબૂતરને પણ સારવાર આપવામાં આવી હતી.
ઉતરાયણ દરમિયાન પંચમહાલ જિલ્લાના વેજલપુર નજીકથી યાયાવર પક્ષી હિમાલયન પેન્ટેડ સ્ટોર્ક નામનું પક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. જેની એક પાંખ ધારદાર દોરાને કારણે કપાયેલી અવસ્થામાં હતી. ત્યારે વનવિભાગ દ્વારા આ પક્ષીનું રેસ્ક્યું કરીને તેને પશુ દવાખાના ગોધરા ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં વેટરનરી તબીબ દ્વારા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જેને બાદમાં જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવશે.