યાત્રાધામ પાવાગઢમાં આવેલા માઁ કાલિકા માતાજી મંદિરને 7 જુલાઇથી ખોલવામાં આવશે
- યાત્રાધામ પાવાગઢનું મહાકાળી મંદિર 7 જુલાઇથી ખોલવામાં આવશે
- લોકડાઉન દરમિયાન ધાર્મિક સ્થાનો કરાયા હતા બંધ
- તમામ ધાર્મિક સ્થાનોને ખોલવા કેન્દ્ર સરકાર દ્વારા આપાઇ મંજૂરી
પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન માઁ કાલિકા માતાજીના મંદિરના નિજ દ્વાર આગામી 7 જુલાઇથી ભાવિક ભક્તો માટે રાબેતા મુજબ ખોલી દેવામાં આવશે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને પગલે લોકડાઉન દરમિયાન દેશભરના તમામ ધાર્મિક સ્થાનો ભક્તજનો માટે બંધ કરી દેવાયા હતા. જે અનલોક-1 જાહેર કરી તમામ ધાર્મિક સ્થાનો શરતી છૂટછાટ સાથે ખોલવા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરના વિકાસના કામોને લઈ 6 જુલાઈ સુધી મંદિર બંધ રાખવા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો. આગામી 7 જુલાઇથી મહાકાળી માતાજીના મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે રાબેતા મુજબ ખોલવા ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેથી ભક્તજનોમાં ખુશીની લહેર વ્યાપી હતી. અખબારી યાદીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે, 7મી જુલાઈથી ભક્તો માટે દર્શનાર્થે મંદિર રાબેતા મુજબ સવારના 6-00 કલાકથી સાંજના 7ઃ30 સુધી ખુલ્લું રહેશે. જોકે દર્શનાર્થે આવનારા ભક્તોએ સરકારી ગાઈડ લાઈન મુજબ મોઢે માસ્ક ફરજિયાત પહેરી તેમજ દરેક યાત્રિકોએ બે ગજનું અંતર રાખવા તેમજ સરકારી ગાઈડ લાઈન મુજબ તમામ નિયમોનું પાલન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી.