માહિતી પ્રમાણે, સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ મધ્યપ્રદેશથી વિનિતાબેન સોલંકી (ઉ.વ. 25) પોતાના પતિ, સાસુ તથા બાળકો સાથે ખાનગી વાહનમાં મહાકાળી માતાના દર્શને આવી હતી. ત્યારે પાવાગઢ ડુંગર પર આવેલા ભદ્રકાળી મંદિર નજીક વિનીતાબેન સેલ્ફી લેતા હતા તે દરમિયાન સાંજના સુમારે ઊંડી ખીણમાં પડી ગયા હતા. મહિલા ખીણમાં પડી જતા પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા હાલોલ ફાયર ફાઇટરની ટીમને જાણ કરી હતી. જેથી હાલોલ ફાયર ફાઇટરની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાને ખીણમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એકાએક વરસાદ પડવા લાગતા ડુંગર ખાતે ભારે ગાઢ ધૂમ્મસ ફેલાતા કામગીરીમાં અવરોધો ઉભા થતા મોડે સુધી વિનીતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ફરી ફાયર ફાયટર જવાન મોઈન અને સંદિપ સાધુની ટીમે 200 ફુટ ઉંડી ખીણમાંથી વિનીતાબેનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ આ મૃતદેહને પોસમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો જ્યાં વિનિતાબેનને મૃત જાહેર કરાયા હતા. જેથી પરિવારજનોમાં પણ શોકના માહોલમા સરી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક કોલેજીયન યુવતી આ વિસ્તારમાં સેલ્ફી લેવાના ચક્કરમાં આ કિલ્લા પરથી ખાડામાં ખાબકતા ઈજા પહોંચી હતી. ત્યારે આવી જગ્યાઓ પર હવે તંત્ર સુચના બોર્ડ લગાવે તે જરુરી બની ગયુ છે.