પંચમહાલ: જૂની પેન્શન યોજના સહિત શિક્ષકોની અન્ય પડતર માંગણીઓને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના નેજા હેઠળ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો દ્વારા વિશાળ પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના શિક્ષકો લાંબા સમયથી નવી પેન્શન યોજના રદ્દ કરીને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે, ત્યારે આ જ મુખ્ય જૂની પેન્શન યોજનાની માંગણી સંદર્ભે ત્રણ જિલ્લાના શિક્ષકો દ્વારા અલગ અલગ જગ્યાએ દલુંની વાડી સુધી પદયાત્રા રેલી યોજવામાં આવી હતી.
ગોધરામાં શિક્ષકોની મહાપંચાયત: આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે દાહોદ જિલ્લાના શિક્ષકો મેકકેબ મેમોરિયલ સ્કૂલ ખાતેથી, પંચમહાલ જિલ્લાના શિક્ષકો ન્યુઇરા હાઇસ્કુલ ખાતેથી તથા મહીસાગર જિલ્લાના શિક્ષકો લાલબાગ મેદાન ખાતેથી રેલી સ્વરૂપે નીકળી પદયાત્રા કરી ગોધરા સ્થિત દલુની વાડી પહોંચ્યાં હતાં, જ્યાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા આયોજિત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
શું છે શિક્ષકોની માંગ:
- જૂની પેન્શન યોજના લાગુ કરવી
- ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જુના શિક્ષકની ભરતી અન્વયે તમામ પ્રકારની બદલીનો લાભ આપવો
- ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરવી
- પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને માતૃત્વ રજાનો લાભ આપવો
- શિક્ષકોને મળતા પગાર વધારાનો લાભ તેમજ અન્ય ભથ્થાઓનો લાભ આપવો
કલેક્ટરને આપ્યું આવેદનપત્ર: મહત્વપૂર્ણ છે કે, ઉપરોક્ત તમામ વિવિધ માંગો અને પડતર પ્રશ્નો બાબતે શૈક્ષિક સંઘના આગેવાનોએ ચર્ચા કરી હતી, જેમાં જુદા-જુદા શિક્ષકોના સંઘોના માધ્યમથી શિક્ષકો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.મહાપંચાયત કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ત્રણ જિલ્લાના વિવિધ હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી હતી.