પંચમહાલ: જિલ્લાના કાલોલ બસ સ્ટેશન પાસે આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલી કટલેરીની દુકાન અને ઉપરના ભાગે આવેલા ચંદ્રલોક ગેસ્ટ હાઉસમાં પણ આગ પ્રસરી હતી. આગ લાગતાં જ નજીકના દુકાનદારો દોડી આવ્યા હતા અને આગે બૂઝાવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી.
આ આગના પગલે ગેસ્ટ હાઉસ અને દુકાનોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે રહેણાંક વિસ્તાર હોવા છતાં કોઇ જાનહાની થઇ નહોતી. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસ, નગરપાલિકા પ્રમુખ, તેમજ કાલોલ મામલતદાર કચેરી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.