- સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી
- નોટિસ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્ય ખેડૂતને થમાવી દેવામાં આવી
- મૂળ જમીનના માલિક મુંઝવણમાં મૂકાયા
પંચમહાલ: દિલ્હી-મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં જમીન સંપાદન કરવામાં આવી હતી. જેનું ખેડૂતોને હજી સુધી જમીનનું વળતર ન મળતા ખેડતોની હાલત કફોડી બની છે.
100થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી
ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ભારત માલા પ્રોજેકટ અંતર્ગત દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કાલોલ તાલુકાના કાનોડ ,ભાટપુરા, ભાદરોલી સહિત ગામોના 100 થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. જે ખેડૂતોને વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત ન ઘરના ન ઘાટના જેવી બની છે. ખેતી ઉપર જીવનનિર્વાહ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોને વળતર આકારણીની નોટિસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી
કાલોલ તાલુકામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપદાન કરવામાં આવેલી જમીનના વળતરની નોટિસ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્ય ખેડૂતને થમાવી દેવામાં આવી હતી. જેના કારણે મુળ જમીનના માલિક મુંઝવણમાં મુકાયા હતા. હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોને વળતર આકારણીની નોટિસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી હતી. જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાયો હતો.
જમીનનું પુરે-પૂરું વળતર વહેલી તકે મળે તેવી માગ ખેડૂતોની માગ
આ વિસ્તારના કેટલાક ખેડૂતોની જમીન જાહેરનામામાં દર્શાવ્યા કરતા વધુ જમીન અધિગ્રહણ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે. હાલ ખેડૂતો રજૂઆત કરે તો કોને કરે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ આ વિસ્તારના ખેડૂતો સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સરકાર પાસે જમીન વળતરની રકમ ઝડપી મળી રહે તેવી માગ કરી રહ્યા છે. વિકાસની ગાથા અને ચમક વચ્ચે માત્ર ખેતી પર નિર્ભર આ વિસ્તારના ખેડૂતોના પરિવારનું જીવન અંધકારમાં ધકેલાયું છે. આજીવિકા ગુમાવી બેઠલા ધરતીપુત્રો પોતાની અરજ લઇને ક્યાં જાય તેવી સ્થિતિમાં મુકાયા છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવે અને ખેડૂતોને તેમની જમીનનું પુરે-પૂરું વળતર વહેલી તકે મળે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.