પંચમહાલ:"રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તમામ સમાજને સાથે રાખીને તેમજ એકતાના સંદેશ સાથે અને ભારતને મજબુત બનાવવા માટેના સંકલ્પ રૂપે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આ એકતા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રી પરીવાર, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, વૈષ્ણવ સમાજ, ભ્રહ્મ સમાજ, લઘુમતી સમાજ સહિત અન્ય ઘણા સમાજના લોકોએ ભાગ લીધો હતો અને સમાજમાં સમરસતાનો ઉત્કૃષ્ટ દાખલો આપ્યો હતો.
સરદાર પટેલની વિચારધારા ઉજાગર: મહત્વપૂર્ણ છે કે, સરદાર પટેલે કહ્યું હતું કે "એકતા એ માનવ શક્તિની ફક્ત તાકાત જ નથી પરંતુ જો એ સુમેળ અને યોગ્ય રીતે એકીકૃત થાય, ત્યારે અધ્યાત્મિક શક્તિ બની જાય છે" અને આજે આ શક્તિનો પરિચય ગોધરામાં જોવા મળ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પાટીદાર સમાજ દ્વારા તમામ સમાજને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, અને રાષ્ટ્રને મજબુત બનાવવા તમામ સમાજને સાથે રાખી અતૂટ સમરસતાનો દાખલો બને તેવી વિચારધારા સાથેનું આયોજન કર્યું હતું.
અખંડ ભારતના શિલ્પીને શ્રદ્ધાસુમન: આ રેલીમાં ૧૦૦૦ થી ૧૫૦૦ની સંખ્યામાં પંચમહાલ જિલ્લાના સમસ્ત પાટીદાર સમાજના વિવિધ પાટીદારો અને આગેવાનોએ ભાગ લીધો હતો. સમસ્ત પંચમહાલ પાટીદાર સમાજની કોર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર તમામ સમાજોના આગેવાનો અને પાટીદાર સમાજના પ્રમુખ/મંત્રી સહીત તમામ પાટીદારોનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યકત કર્યો હતો. અંતમાં “અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ ” ના સ્મારકે ફૂલહાર અર્પણ કરી "રાષ્ટ્રીય એકતા દિવસ" ઉજવવા માટે આવેલ સૌ વ્યક્તિઓને રાષ્ટ્ર માટેની જવાબદારીઓ માટે એક ખાસ શપથ લેવડાવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.