પંચમહાલ: વાવાઝોડા બાદ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી તેમ જ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. શનિવારે વહેલી સવારથી સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના પગલે ગોધરા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી.
હવામાન વિભાગની આગાહી: આજરોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદે માજા મૂકી છે. આજરોજ સવારે શરૂ થયેલા ભારે વરસાદના પગલે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે ની જેમ રાબેતા મુજબ જોવા મળી હતી .જેના પગલે લોકોનો રોષ તંત્ર સામે જોવા મળી રહ્યો હતો .વહેલી સવારે વરસેલા વરસાદ ના પગલે શાકમાર્કેટમાં પથારો કરી બેસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો .તો અમુક સોસાયટીમાં પાણી ભરવાના કારણે વાહનો પાણી માં ઘરકાવ થયા હતા.
તંત્રનું પાણી: શહેર ભાગોળ ખાતે અંડર પાસ ની ચાલી રહેલ કામમાં ખાડામાં પાણી ભરાયા હતા.ત્યારે ગોધરા શહેર ની પાણી ભરવાની સમસ્યાને લઈ લોકોને દર વર્ષે આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી તરફ વાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી સોસાયટીઓમાં પાકા રોડ અને રસ્તાના આભાવે શાળા એ જતા વિદ્યાર્થીઓને વાહન ચાલકોએ રજા કરી દીધી હતી. જો કે તમામ બાબતો વચ્ચે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં ભારે વરસાદ પંચમહાલ જિલ્લામાં વરસશે. જેમાં વરસાદનું પાણી તો માપી લેવાશે પણ તંત્રનું પણ પાણી માપી લેવાશે.