પંચમહાલઃ જિલ્લામાં મોરવા હડફ પોલીસે સંતરોડ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન ગેરકાયદેસર હથિયારો 13 અને જીવતા કારતુંસ 60 તેમજ રજિસ્ટ્રેશન નંબર વગરની મોટરસાયકલ મળી કુલ રૂપિયા1,28,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જોકે બાઈક સવાર 2 ઇસમો બાઈક મૂકી ફરાર થયા હતા.
મોરવા હડફ પોલીસ મથકના સંતરોડ ગામે દાહોદ તરફથી આવતા હાઇવે રોડ પર વાહન ચેકીંગની કામગીરી મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન એક રજિસ્ટ્રેશન નંબર વગરની મોટર સાયકલ ઉપર બે ઈસમો દાહોદથી ગોધરા તરફના રોડ પર ચેક પોસ્ટથી થોડે નજીક આવતા ચેક પોસ્ટ પર નાકાબંધી હોવાની મોટરસાયકલ સવારોને ખબર પડતાં બને ઈસમો પોતાની પાસે રહેલી મોટરસાયકલ તેમજ તેઓ પાસેના બે સ્કૂલ બેગ છોડી રેલવે લાઇન બાજુ ભાગવા લાગ્યા હતા. જેથી ત્યાં હાજર પોલીસ કર્મીઓએ આ શંકાસ્પદ ઈસમોને પકડવા માટે પીછો કરતા આ બને ઈસમો રેલવે લાઇન ક્રોસ કરી નાસી છૂટ્યા હતા.
પોલીસે બંને ઇસમોની બેગ ચેક કરતા તેમાથી ગેરકાયદેસર હથિયારો તેમજ દારૂ ગોળો મળી આવ્યો હતો. જેમાં દેશી હાથ બનાવટની મેગજીન સાથેની પીસ્ટલ નંગ 7 જેની કિંમત રૂપિયા 70000,ખાલી મેગજીન નંગ 7 જેની કિંમત રૂપિયા 3500,દેશી હાથ બનાવટના કટા નંગ 3 જેની કિંમત રૂપિયા 9000, દેશી હાથ બનાવટની બંદૂકો સિંગલ બેરેલવાળી નંગ 3 જેની કિંમત રૂપિયા 15000 તેમજ 9 એમ.એમના જીવતા કારતુંસ નંગ 55 જેની કિંમત રૂપિયા 5500, તેમજ 7.62 એમ.એમના જીવતા કારતુંસ નંગ 5 જેની કિંમત રૂપિયા 500 જે કુલ હથિયાર નંગ 13 તથા જીવતા કારતુંસ નંગ 60 અને ખાલી મેગજીન નંગ 7 મળી કુલ કિંમત રૂપિયા 1,03,500 તેમજ રજિસ્ટ્રેશન નંબર વગરની મોટરસાયકલ કિંમત રૂપિયા 25,000 મળી કુલ રૂપિયા 1,28,500નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી બે ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધ્યો છે.
બન્ને ફરાર ઇસમોને ઝડપી પાડવા માટે પંચમહાલ અને દાહોદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાલ હાથ ધર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને દાહોદથી ગોધરા તરફ આવતા હાઈવે પર અસાયડી ગામ પાસે આવેલા ટોલ પ્લાઝા પરના બન્ને બાઈક સવારના સીસીટીવી ફૂટેઝ પણ હાથ લાગ્યા છે, જેના આધારે પણ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ મોરવા હડફ પોલીસ મથકની હદમાં દાહોદથી ગોધરા તરફ એક રીક્ષામાં કેટલાક ઈસમો ગેરકાયદેસર હથિયાર લઈને જતા રાજસ્થાનના ઈસમો ઝડપાયા હતા, ત્યારે રાજ્યના સરહદી વિસ્તાર ગણાતા પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રી અને દિવસ દરમિયાનનું પેટ્રોલિંગ અને ચેકીંગ વધારવામાં આવે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.