પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીની વચ્ચે સીમલેટ બેટ નામનું ગામ આવેલું છે. આ ગામમાં 80 થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ ગામમાં વીજળી શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ છે. આ ગામ પાનમ નદી વચ્ચે પાણી વચ્ચે ઘેરાયેલું છે. આ ગામમાં 242 જેટલા મતદારો છે.
ગામના પરિવારોમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી જરૂરી દસ્તાવેજો છે. આ ગામના લોકો પોતાના મતાધિકારના ફરજના ભાગરૂપે દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં સીમલેટ ગામથી હલેસા વાળી હોડીમાં બેસીને મહિલાઓ અને પુરુષો મહેલાન ગામમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથક પર આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સીમલેટ ગામના સનાભાઈએ જણાવ્યું હતું કે, મહેલાણ ગામમાં આવેલા મતદાન મથક ઉપર ફરજના ભાગ રૂપે અમે વોટ આપ્યો છે.અમારા ગામમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આથી અમારી માગ છે કે, અમને એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએ.