આ કૃષિ મહોત્સવમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે CM રૂપાણીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. સાથે જ રાજ્યપ્રધાન બચુ ખાબડે આદિવાસી સમાજના પરંપરાગત કોટી તેમજ તીરકામઠુ આપીને સ્વાગત કર્યું હતું. કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા ખેડૂત સંશોધનકારોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં CM રૂપાણીએ 121 સાફલ્યગાથા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અહીં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે કૃષિ મહોત્સવનો પંચમહાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી દિવસમાં તાલુકા કક્ષાએ પણ કૃષિમેળાઓ શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં નવા ભારતની કલ્પના કરી છે. જેમાં ખેડૂતોની આવક બમણી થાય, કૃષિ ખેતી વૈજ્ઞાનિક ઢબે થાય, સલંગ્ન પશુપાલનથી તેનો વ્યાપ વધે, સારા બિયારણોથી ખેડૂતો ખેતી કરી પ્રગતિ કરે તે હેતુથી કૃષિ મહોત્સવ ચલાવવામાં આવે છે. કિસાનસન્માન નિધી કાર્યક્રમ હેઠળ લાખો ખેડૂતોને લાભ મળ્યો હતો. હાલ નવા રજિસ્ટ્રેશન ચાલુ છે. ખેડૂત બિચારો ન બને તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, સાસંદ રતનસિંહ રાઠોડ, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત કૃષિવિભાગના અધિકારીઓ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.