પંચમહાલ: ગુજરાતનાં પાવાગઢ ખાતે મા કાલિકાનાં દર્શને દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. જાહેર રજાના દિવસોમાં આ સંખ્યા લાખોમાં હોય છે. અહીં શ્રીફળ પણ હજારોની સંખ્યામાં મહાકાળી માતાને અર્પણ કરાય છે. અહીં રોજ આવતા હજારો શ્રીફળ અને તેના છોતરાંના લીધે મંદિર પરિસર તેમજ પાવાગઢનાં પર્વત ઉપર ઘણી ગંદકી થતી હતી. દુકાનદારો દ્વારા નારિયેળનાં છોતરાં સળગાવવાથી કાર્બન ડાયોક્સાઈડ તેમજ ક્યારેક વધુ પડતા પવનના લીધે પાવાગઢ પર્વતનાં જંગલોમાં દવ એટલે કે આગ લાગવાના બનાવો બનતા હોય છે. જેનાથી પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થતું હોય છે.
ચિંતન બેઠક યોજાઈ: આ બધા કારણોના ઉકેલ માટે પાવાગઢ મા કાલિકા મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગ વચ્ચે મનોમંથન અને એક ચિંતન બેઠક યોજાઈ. આ મનોમંથન અને ચિંતનમાં, મા મહાકાળીના આશીર્વાદ હોય એમ એક નવા વિચારને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો. આ વિચાર હતો કોકોપીટનો(નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર બનાવવાનો) અને તેના ઉપયોગનો.કોકોપીટનો ઉપયોગ નર્સરીમાં છોડ ઉછેર કરવા માટે કરાય છે.
"એક મશીન મૂકવામાં આવ્યું છે.જેમાં મોટાં છોતરાં નાના બારીક કરાય છે.હવે નાંનાં છોતરાંમાંથી બીજું મશીન બારીક ભૂકો તૈયાર કરે છે જેને કોકોપીટ કહેવાય છે. અહીં કોકોપીટનું કામ શરૂ થવાથી 8 થી 10 પરિવારો રોજગારી મેળવી રહ્યા છે.જેમને કામ પ્રમાણે મહેનતાણું પણ ચૂકવાય છે.રોજનું અહીં 15 થી 20 કિલો કોકોપીટ તૈયાર થાય છે"-- સતીશ બારિયા (હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર)
શ્રેષ્ઠ રીઝલ્ટ પણ મેળવ્યું: પાવાગઢના બોડા ડુંગરને વૃક્ષાચ્છાદિત કરવાં અને વૃક્ષોનો ઉછેર કરવા અને આ નવા વિચારના અમલ માટે પાવાગઢના મા કાલિકા મંદિરના ટ્રસ્ટીઓએ ગત ઓગસ્ટ-2022 માં છતરડીવાવની વન વિકાસ સહભાગી મંડળીને હપતે હપતે ફંડ ચૂકવવાનું શરુ કર્યુ.પાવાગઢના મા કાલિકા મંદિરના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ અને જિલ્લા વન અધિકારી મોરારીલાલ મીના તેમજ હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારિયાએ આ આખી યોજનાને અમલમાં મૂકવા કોકોપીટનો નવો અભિગમ અપનાવ્યો અને તેનું શ્રેષ્ઠ રીઝલ્ટ પણ મેળવ્યું.
રો મટીરિયલ સારા પ્રમાણમાં: અત્યાર સુધી પાવાગઢના મા કાલિકા મંદિરમાં અર્પણ કરાયેલાં નારિયેળનાં છોતરાંનો કોઇ ઉપયોગ થતો ન હતો. ગુજરાતમાં પાવાગઢ એક એવું મંદિર છે. જ્યાં કોકોપીટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.અહીં શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું છે. કોકોપીટના ઉપયોગથી છોડ ઉછેરવામાં આવે તો તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. કોકોપીટ વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે. તથા સહેલાઇથી છોડની હેરફેર પણ થઈ શકે છે.મા કાલિકાનું મંદિર હોવાથી અહીં રો મટીરિયલ સારા પ્રમાણમાં મળી રહે છે. કોકોપીટના ઉપયોગથી ઓછા ખર્ચે છોડ ઝડપથી ઉછરીને વિકાસ પામે છે.
" ચાલુ વર્ષે ભદ્રકાળી મંદિરની આજુબાજુ દસ હેકટરમાં જમીનમાં 11, 111 રોપા અને ટ્રસ્ટ તરફથી બનાવાઇ રહેલા ભોજનાલયની સામેની બાજુએ 5 હેક્ટર જમીનમાં 4444 રોપા ઉછેરાશે.જયાં માણસ કામ ન કરી શકે તેવી પર્વતીય જગ્યાઓ પર હાલોલ રેન્જ વન વિભાગ દ્વારા સીડબોલ થકી બીજનું વિતરણ કરાય છે.અહીં ડુંગરની આજુબાજુ સીડ સોઇંગ એટલે કે બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરીને વૃક્ષો ઉછેરવાની કામગીરી પણ કરવામાં આવશે.ભવિષ્યમાં કોકોપીટના વેચાણ માટે કેન્દ્ર પણ બનાવવામાં આવશે,જેથી યાત્રાળુઓ પોતાના ઘરના છોડ માટે એનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકે"--મોરારીલાલ મીના (ડીસીએફ)
વૃક્ષોનું વાવેતર: મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરીને નવલખી કોઠાર વિસ્તારમાં 10 હેક્ટર જમીનમાં વડ,પીપળ,જાંબુ,પારિજાત,કરમદાં,સીસમ,પાણીકણજી,કણજ,આમળાં ઉમરો,ગુંદા તેમજ અલગ અલગ 28 થી 30 જાતનાં- 42, 000 વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું. પાવાગઢ તળેટીમાં 20 હેક્ટર જમીનમાં 32,000 વૃક્ષો વાવવામાં આવ્યાં છે.એટલું જ નહીં, આ બજેટમાંથી ચાંપાનેર તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને સાઇડ થીમ બેઝ વાવેતર હેઠળ પાનાગારુ,કચનાર,ગરમાળો,ગુલમહોર,તબુબિયાં જેવાં સુશોભિત 2500 રોપા અને વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે.