- 3 જિલ્લાનું કિસાન સંમેલન મોરવા હડફ ખાતે યોજાયું
- નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલે આપી હાજરી
- ખેડૂત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત : નીતિન પટેલ
- કોરોના રસી દરેક નગરિક ફરજિયાત મૂકાવશે : નીતિન પટેલ
પંચમહાલ : જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી સરકારી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં શુક્રવારના રોજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં કિસાન સંમેલન યોજાયું હતું. દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આ સંયુક્ત કિસાન સંમેલનમાં ત્રણેય જિલ્લાના ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને કિસાન મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધાર બિલ 2020 પસાર કરવામાં આવ્યા બાદ પંજાબ અને હરિયાણાના ખેડૂતો સિંધુ બોર્ડર પર બિલને રદ્દ કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આ આંદોલનને કોંગ્રેસ દ્વારા ઉભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
મોરવા હડફ ખાતે યોજાયું કિસાન સંમેલન
ભાજપ દ્વારા પહેલા દેશના દરેક ખેડૂતને કૃષિ સુધારા બિલ વિશે માહિતગાર કરવા માટે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ભાજપ દ્વારા દરેક જિલ્લામાં કિસાન સંમેલનનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. જે બાદ શુક્રવારથી રાજ્યમાં કિસાન સંમેલન યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના ભાજપના કિસાન મોરચાના આગેવાનો-કાર્યકરો, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
કિસાન સંમેલનમાં ઉપસ્થિત નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પહેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શેષ આપવી પડતી હતી. જે કાયદાને કેન્દ્ર સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ વેપારી ખેડૂતના ખેતરે જઈને ખેતપેદાશ ખરીદી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ ખેડૂતો માટે લાભદાયી છે. તેમ છતા આ કાયદાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે તે સમજાતું નથી. 130 કરોડ દેશની જનતા છે, જે પૈકી 50,000 લોકો વિરોધ કરી રહ્યા છે. દેશમાં પંજાબ અને હરિયાણા સિવાય અન્ય કોઇ રાજ્યમાં આ કાયદાનો વિરોધ નથી. વિરોધ કરનારાઓને જ ખબર નથી કે, તેમને વિરોધ કોનો અને કેમ કરી રહ્યા છે?
ખેડૂતોને સાચી માહિતી આપવા કિસાન સંમેલનનું આયોજન
આ સાથે નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો જ થવાનો છે. કોઈ જ નુકસાન થવાનું નથી. જેથી ખેડૂતોને સાચી માહિતી મળી રહે, તે માટે આ કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દરેક નાગરિક ફરજીયાત કોરોના વેક્સિન મૂકાવશે
મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપવામાં માટે આવેલા નીતિન પટેલે કોરોનાની રસી દરેક નાગરિક ફરજીયાત કોરોના વેક્સિન મૂકાવશે તેવી આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોનની રસી આવ્યા બાદ દરેક નાગરિક તે મૂકાવવાની ઈચ્છા ધરાવશે જ કેમ કે, તેનાથી કોરોના સામે રક્ષણ મળે છે. કોરોના વેક્સિન આવે તેની દેશ અને દુનિયા રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના સંગ્રહ, વેક્સિનેશન સ્ટાફ તેમજ દર્દીઓ-નાગરિકોની યાદી તૈયાર રાખી છે. જ્યારે પણ રસી આવશે, ત્યારે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રસીકરણ કરવામાં આવશે. રસીનો જે હાલ ટ્રાયલ ચાલે છે.