પંચમહાલ : સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરા, ભારત વિકાસ પરિષદ તેમજ સંસ્કૃત ભારતીના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે સંસ્કૃત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે ગોધરા ખાતે આ ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાવણ દહન અને શસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ગરબાના કાર્યક્રમમાં પ્રેક્ષકો અને ખેલૈયાઓ સંસ્કૃતમય બન્યા હતા.
સંસ્કૃત ગરબા : ગોધરામાં આયોજીત સંસ્કૃત ગરબાના સંચાલનથી લઈને અંત સુધી સતત સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગરબા માટે આવેલ શ્રીજી કલાવૃંદના ગોપાલભાઈએ જણાવ્યું કે, આજના કાર્યક્રમ આપણા ગુજરાતી ગરબાને સંસ્કૃતમાં ગાવા માટે અમારા ગ્રુપ દ્વારા 4 દિવસની મહેનત કરી હતી. આટલી મહેનત બાદ અમે આ ગરબા ગાઈ રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિનું જતન થાય અને સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુથી આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અખંડ ભારતની ઝાંખી : આ સંસ્કૃત ગરબામાં ગોધરા શહેરના અનેક લોકો જોડાયા હતા. સાથે સાથે નાના બાળકો હિન્દુ દેવી-દેવતાના પહેરવેશ ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. ગરબાનાં મેદાન પર બનાવવામાં આવેલ માતાજીની માંડવીની આસપાસ ભારતનો નકશો બનાવીને તમામ લોકો દ્વારા તેની આજુબાજુ ઉભા રહી અખંડ ભારતની રચના કરવામાં આવી હતી.
સંસ્કૃત ભાષાના પ્રચારનો હેતુ : આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો, જિલ્લા કલેકટર આશિષ કુમાર, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી, DySP પરાક્રમસિંહ રાઠોડ તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ અરવિંદસિંહ સિસોદિયા, સંસ્કૃત ભારતીના પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત બંને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિ તેમજ સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે ગોધરા ખાતે સંસ્કૃત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.