ગોધરાઃ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આયર્ન જરૂરી છે. બાળકોને કૃમિનો ચેપ લાગે ત્યારે આર્યનની ઉણપ વર્તાય છે અને એનિમિયા જેવા રોગનો ભોગ બને છે. આવા રોગનું પ્રમાણ ઘટાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યકમના ભાગરૂપે ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અજયકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્કૂલ પ્રશાસન દ્વારા તેમનું ફૂલ અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેડાઝોલ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી અજયકુમાર શાહે જણાવ્યું કે જિલ્લાની આંગણવાડી અને શાળાઓના 1 થી 19 વર્ષના 6 લાખથી બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેડાઝોલનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે મોઢ સહિત આરોગ્યવિભાગના અધિકારીઓ અને શાળા સંચાલકો, શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.