- મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ
- બપોર બાદ મતદારોની સંખ્યામાં ઘટાડો
- 2 મેના રોજ થશે મતગણતરી
પંચમહાલ: જિલ્લામાં સમાવિષ્ટ અને ખાલી પડેલી 125 મોરવા હડફ વિધાનસભા બેઠક માટે 17 એપ્રિલે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં સવારે મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો પણ જોવા મળી હતી, પરંતુ બપોર બાદ મતદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: મોરવા હડફ ખાતે યોજાયેલ કોંગ્રેસ બેઠકમાં ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ
45 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા કુલ 329 મતદાન કેન્દ્રો પર સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, તો કોરોના મહામારી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં સરકાર દ્વારા બહાર પાડવામાં કોરોના ગાઈડ લાઇન્સનું ચુસ્ત પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મોરવા હડફ વિધાનસભા બેઠક માટે નોંધાયેલા અંદાજીત 2.19 લાખ મતદારો પૈકી સાંજના મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં સુધીમાં અંદાજે 45 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે પુરૂષોત્તમ રૂપાલાએ સભા સંબોધી
મતગણતરી સરકારી વિનયન કૉલેજમાં થશે
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. આજ રોજ યોજાયેલી મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટેની મતગણતરી આગામી 2 મેના રોજ મોરવા હડફમાં આવેલી સરકારી વિનયન કૉલેજ ખાતે યોજવામાં આવશે.