પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાથી 3 કિમીના અંતરે આવેલું પરવડી ગામે પાંચ એકરમાં આવેલી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન કાનજી ભાઈ શેઠ જીવદયા ધામ ગૌશાળા 2010થી કાર્યરત છે. જે અકાળે મોતના મુખમાં ધકેલાતા અને કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને જીવદયાપ્રેમી કાર્યકરો અને પોલીસ વિભાગની મદદથી બચાવી પાંજરાપોળમાં સુરક્ષિત આશ્રય આપવાનું કામ કરતું આવે છે. તેમાં 50 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલમાં આ ગૌશાળામાં 1500થી વધું અબોલ જીવ ગાય, ભેંસ, બળદ, વાછરડા તેમજ નાના પશુઓને દેખભાળ રાખવામાં આવે છે.
તેમજ બીમાર પશુઓને સારવાર આપવા માટે ડોક્ટર સહિતની દવા સાથે સેવા પુરી પાડવામા આવે છે. આ ગૌશાળામાં દાન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. પણ ગૌશાળા વેચાણથી ઘાસ લાવે છે. હાલમાં પશુઓને લીલું ઘાસ આપવામા આવે છે. જેનો પ્રતિદિન એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.