- નરોડા પોલીસમથકે જુગાર ધારાના ગુનામાં કેસ નોંધાયો
- પોલીસે ગોધરા ખાતેથી અપક્ષ ઉમેદવારની કરી અટકાયત
- અગાઉ ગોધરા નગરપાલિકામાં વૉર્ડ-3માંથી ભાજપમાંથી જીત્યા હતા
ગોધરાઃ નગરપાલિકાના વૉર્ડ ત્રણમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ચેતનકુમાર ઉર્ફે પપ્પી સામનાણીની અમદાવાદ એસઓજીએ ધરપકડ કરી છે. અમદાવાદ નરોડા પોલીસમથકે જુગાર ધારાના ગુનામાં ચેતનકુમાર સામનાણી સામે ગુનો નોંધાયો હતો, જેમાં તેઓની ધરપકડ કાર્યવાહી બાકી હતી. આ મુદ્દે અમદાવાદ સિટી એસઓજીની ટીમ ગોધરા આવી હતી અને ગોધરા ખાતેથી તેની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગેની ગોધરા શહેર એ ડિવીઝન પોલીસમથકે નોંધ પણ કરવામાં આવી હતી.
ભાજપમાંથી ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી
આ અગાઉ ચેતનકુમાર સામનાણી ગોધરા નગરપાલિકામાં વૉર્ડ ત્રણમાંથી ભાજપમાંથી વિજેતા થયા હતા. આ વખતે પણ તેમણે ભાજપમાં ટિકિટ મેળવવા દાવેદારી નોંધાવી હતી, પરંતુ ભાજપે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝપલાવ્યું છે.