ગોધરાઃ કોરોના વાઈરસની ત્રાસદીને કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે હાલના સમયમાં તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગોધરાની સબજેલના સત્તાધીશો દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. જેમાં સરકાર અને સ્વાસ્થય વિભાગની એડવાઈઝરી મુજબ કેદીઓના સગા-સંબંધીની મુલાકાત પર નિયંત્રણ મુકવામાં આવ્યું છે. બીજી તરફ જેલના સત્તાધીશો દ્વારા જેલના કેદીઓ માટે ઈ- મુલાકાત એટલે કે, વીડિયો કોલિંગ દ્વારા વાત કરાવવામાં આવે છે.
જેમાં મુલાકાતીએ eprisons.nic.in/public/my visitregistration.aspx પર ક્લિક કરવાનું રહેશે અને આ સાઈટ પર જેલમાં રહેલા કેદીના નામનું ફોર્મ ભરી સબમીટ કર્યા બાદ ઓટીપી મેળવી પ્રક્રિયા પૂર્ણ કરવાની થશે. ત્યારબાદ જેલ સત્તાધીશો દ્વારા એસએમએસ કે મેઈલ દ્વારા કેદીને મળવાનો સમય અને તારીખ કેદીના મુલાકાતીને મોકલવામાં આવશે.
આમ, ગોધરા સબજેલ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં પ્રત્યક્ષ મુલાકાત ટાળવામાં ઉપયોગી સાબિત થશે.