પંચમહાલ: સુરતથી રાજસ્થાનના બાંસવાડામાં પગપાળા જતા શ્રમિકોને ગોધરાના દાહોદ બાયપાસ હાઈવે પાસે બાઈક પર આવેલા 2 ઇસમોએ રોકી તમે દારૂની હેરાફેરી કરો છો અને પોલીસનું વાહન બોલાવી જેલમાં મૂકી દઈશું. તેમ જણાવી આ શ્રમિકોને રોડની સાઈડમાં ઉભા રાખી તેમની પાસે રહેલા તમામ રોકડ નાણા પડાવી લીધા હતા, આ શ્રમિકો પાસેથી કુલ રૂપિયા 3,720 જેટલી રકમ આ શ્રમિકો પાસેથી પડાવી લઈને બન્ને ઇસમો ફરાર થઈ ગયા હતા.
સમગ્ર મામલે પોલીસે ખંડણીની ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. કોરોનાની મહામારીથી બચવા સાવચેતીના ભાગરૂપે દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. જેને લઈને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય અન્ય કોઈ જ ધંધા રોજગાર બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને ગુજરાતના અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા ખાતે રોજગારી માટે ગયેલા દાહોદ અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોના આદિવાસી વિસ્તારના શ્રમિકો ખાનગી એકમો તેમજ જાહેર બાંધકામના કામો બંધ થતા આ શ્રમિકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી બસ તેમજ જાહેર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા આ શ્રમિકો વતન આવવા માટે અટવાઈ પડ્યા હતા અને પગપાળા જ વતન જવા વાટ પકડી હતી.
ગોધરા શહેર B ડિવિઝનો પોલીસ મથકે નોધવામાં આવેલી ફરિયાદ અનુસંધાને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે તેની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાઈવે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમરાના ફૂટેઝના આધારે બાઈક નંબર પરથી બંને ઇસમોની ભાળ મેળવી તેમની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા બંને ઇસમોની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી પ્રેસ કાર્ડ પણ મળી આવ્યું હતું.
પ્રેસ કાર્ડ મળી આવતા પોલીસ દ્વારા આ કાર્ડ સાચું છે કે, ખોટું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ઝડપાયેલા બંને ઇસમો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.