ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી, આ દિવસે તમામ ગામો અને શહેરોમાં મુખ્ય જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે.જેમાં નાના મોટા તમામ લોકો ભાગ લેતા હોય છે અને હોલિકા દહનનું પૂજન કરતા હોય છે, ત્યારે ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં પ્રગટાવાય છે એક અનોખી હોળી જેને કોમી એકતાની હોળી પણ કહેવામાં આવે છે.
ગોધરા શહેરમાં પ્રગટે છે કોમી એકતા ની હોળી. જેમાં હિન્દુ સમાજ સહિત મુસ્લિમ સમાજ અને દાઉદી વ્હોરા સમાજ દ્વારા પણ પૂજન કરવામાં આવે છે,આ હોળીની પ્રદક્ષિણા પણ તેઓ ફરે છે અને તેનો શેક લે છે.ગોધરા શહેરમાં અંદાજે છેલ્લા 50 વર્ષથી આ પ્રકારની હોળી પ્રગટાવવામાં આવતી હોવાનું મનાય છે. આ ઉપરાંત મુસ્લિમ ભાઈઓ અહી વધુ ભીડ જામતી હોવાના કારણે વ્યવસ્થા જળવાઈ તે માટે ખડે પગે ઊભા પણ રહે છે.પટેલ વાડા વિસ્તારના હોળીની પ્રદક્ષિણા ફરવા આવતા દાઉદી વ્હોરા સમાજના મહિલા અને પુરુષો જણાવે છે. આ હોળીની પ્રદક્ષિણા ફરવાથી તેઓને તાવ કે અન્ય રોગો પણ થતાં નથી.આમ તેઓ આ હોળીના અનેરા મહત્ત્વ વિશે જણાવી રહ્યા છે. આમ પટેલ વાડાની હોળીનું અનેરું મહત્વ રહેલું હોય છે. જેને લઇને ગોધરા શહેરના નગરજનો પણ મોટી સંખ્યામાં આ હોળીની પ્રદક્ષિણા ફરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.