વિકાસના વાયદાઓ વચ્ચે સીમલેટ ગામ અનેક પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આજે પણ ગામ લોકો બહાર જવા માટે હોડીમાં બેસવાની ફરજ પડી રહી છે. અહીં ગામલોકોની માંગ છે કે, અમે અમારી ફરજ સમજીને હોડીમાં બેસી મતદાન કરીએ છીએ, પણ અમને કોઈ સરકારી સુવિધાઓ મળતી નથી. અમારા ગામ સુધી પહોંચવા માટે અમારી પાસે રસ્તા નથી.
પંચમહાલના શહેરા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીની વચ્ચે સીમલેટ બેટ નામનું ગામ આવેલું છે. આ ગામમાં 80થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ ગામમાં વીજળી શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ છે. આ ગામ પાનમ નદીના પાણી વચ્ચે ઘેરાયેલું છે. ગામમાં 242 જેટલા મતદારો છે. અહીંના પરિવારો પાસે ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો છે. સીમલેટ ગામના લોકોએ હલેસાવાળી હોડીમાં બેસી મહેલાન નામના ગામમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાની ફરજ નિભાવી હતી પરંતુ હવે સવાલ એ છે કે આગામી સરકાર અહીં વિકાસ કરી,,પોતાની ફરજ અદા કરશે?