ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ હવે ડિઝિટલ ઇન્ડિયાની વ્યાખ્યાને સાર્થક કરી રહ્યું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમા હવે ફરજ બજાવતા શિક્ષકો અને અભ્યાસ કરતા બાળકોની તમામ ગતિવિધિઓનું સ્કૂલ મોનિટરીંગ સિસ્ટમ અને GPS સિસ્ટમથી સજ્જ એવા ટેબલેટ દ્વારા ઑનલાઈન ગાંધીનગરથી મોનિટરીંગ કરી શકાશે. ગુજરાતની શાળાઓની સાથે સંકળાયેલા તાલુકા કક્ષાના શિક્ષણ વિભાગના BRC કો-ઓર્ડીનેટર અને CRC કો-ઓર્ડીનેટરને આ ટેબલેટ આપવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં આવા 132 ટેબલેટ આપવામાં આવ્યા છે. તેનાથી શાળાઓનું નિયમિત મોનિટરીંગ કરી શકાશે. આ સિસ્ટમ યોજના હેઠળ ગાંધીનગર ખાતે કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ દ્વારા સીધુ લાઈવ મોનિટરીંગ કરવામાં આવશે. આ ટેબલેટની ખાસ વિશેષતા એ છે કે, જે BRC અથવા CRC કો-ઓર્ડીનેટર સંબંધિત શાળામાં લઈ જશે ત્યારે જ તે શરૂ થશે. આ ટેબલેટમાં ઑનલાઈન હાજરી, પરીક્ષાલક્ષી માહિતી, SMC ગ્રાન્ટ સહિતની જરૂરી માહિતી ઉપલબ્ધ થશે.