પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી એક માત્ર સરકારી હોસ્પિટલ ગોધરા ખાતે આવેલી છે. ગોધરા સિવિલ હોસ્પીટલમાં આ ત્રણ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે શુક્રવારે ગોધરા તાલુકાના છારીયા ગામની આશાવર્કર દ્વારા ગામની જ વિનીતાબેન નાયકને કુટુંબનિયોજનનું ઓપરેશન કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ તેમના પરિવારને થતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો અને તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતા. પરિવારનું કહેવું છે કે, આશાવર્કર પરિવારની પરવાનગી વિના મહિલાનું ઓપરેશન કરાવવા માગતા હતા.
મૃતકના ભાઈએ મીડિયા સાથેની વાત-ચીતમાં કહ્યું કે, મારી બહેનને શુક્રવારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા. જેમાં તેમનું મોત થયું છે. ડૉક્ટરોની બેદરકારીને કારણે જ આ મોત થયું છે. ઓપરેશન માટે તેમના પરિવારજનોને જાણ કર્યા વગર જ ગોધરા ખાતે લાવવામાં આવ્યા હતાં.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનો સ્ટાફ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, વિનીતાબેનને ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હતું.
મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કરી પરિવાર સાથે સમજાવટ કરી આશ્વાશન આપવામાં આવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપ સામે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ મહિલાઓને આ ઓપરેશન અંગેની સંપૂર્ણ સમજ આપવામાં આવે છે અને તેમની મંજૂરી મળ્યા બાદ તેમને ઓપરેશન માટે લાવવામાં આવે છે.