પંચમહાલ: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દુંદાળા દેવ ગણપતિ ઉત્સવમાં લોકો જોડાયા છે. જોકે આ વર્ષે બાપ્પાના ભક્તોએ ગણેશ સ્થાપના પંડાલમાં કરી નથી. પરંતુ ઘરમાં જ ભક્તોએ ગણેશ સ્થાપના કરી છે. ત્યારે શહેરીજનો ગણપતિ વિસર્જન કરી રહ્યા છે.
ગોધરા શહેરમાં ભકતોએ પોતાના ઘરે જ ગણપતિની સ્થાપના કરી હતી. ગોધરા શહેરની આન, બાન અને શાન ગણાતી ગણેશ વિસર્જન યાત્રા પણ કોરોનાના કારણે રદ રહી છે. રામસાગર તળાવ ખાતે પોલીસનો બંદોબસ્ત સાથે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતુ. લોકોએ શહેરના કનેલાવ તળાવ તેમજ ભૂરાવાવ વિસ્તારમાં આવેલા ડોળપા તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.
અંદાજે 1000 થી વધુ નાની પ્રતિમાઓનું વિસર્જન કનેલાવ તળાવ અને ડોળપા તળાવ ખાતે કરાયું હતું. આ પ્રસંગે પોલીસ પ્રશાસન દ્વારા ગોધરા શહેરના તમામ તળાવો ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જેના પગલે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન શક્ય બન્યું હતું.
નગરજનોમાં ગોધરા શહેરની જાણીતી ભવ્યાતિભવ્ય વિસર્જન યાત્રા નહીં યોજાતા તેનો રંજ સાથે નિરાશા પણ જોવા મળી હતી. હાલમાં જ રાજકોટ શહેર ખાતે ભાજપ પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાય છે. તો ગણેશ મહોત્સવ અને ગણેશ વિસર્જન યાત્રા કેમ યોજાતી નથી. તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.