ગોધરા: પંચમહાલ જિલ્લામાં થઈ રહેલી શ્વેત ક્રાંતિને લઈને પશુપાલકો આર્થિક રીતે સધ્ધર થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જિલ્લાના પશુપાલકો બીજદાન માટે અન્ય જિલ્લામાં આવેલા ફ્રોઝન સિમેન સ્ટેશન પર પશુઓને સિમેન ડોઝ માટે આધાર રાખવો પડતો હતો. જેને લઇને પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સિમેન સ્ટેશન માટે ત્રણ વર્ષ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોની સ્થિતિને લઈને ગોધરા નજીક આવેલા ધનોલ ગામે રિપયા 10.82 કરોડના ખર્ચે ફ્રોઝન સીમેન સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંગળવારે કેબિનેટ પાણી પુરવઠા અને પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા અને રાજ્ય કક્ષાના પશુપાલન પ્રધાન બચુભાઈ ખાબડ દ્વારા ફ્રોઝન સિમેન સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં ફ્રોઝન સિમેન સ્ટેશન બનાવવામાં આવતા મધ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોને આગામી સમયમાં ફાયદો થશે. રૂપિયા 10.82 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્રોઝન સિમેન સ્ટેશનનું સંચાલન પંચમહાલ ડેરી દ્વારા કરવામાં આવશે. અંદાજે 5 એકરમાં બનેલા ફ્રોઝન સિમેન સ્ટેશનમાં સિમેન પરીક્ષણ માટે લેબોરેટરી પણ બનાવવામાં આવી છે. પંચામૃત ડેરી સંચાલિત આ સિમેન સ્ટેશનમાં 50 સાંઢ પાડાની ક્ષમતા છે તેમજ વાર્ષિક 10 લાખ સિમેન ડોઝ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
રાજ્યમાં થયેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાન બાબતે કેબિનેટ પ્રધાન દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે અને જે વિસ્તારોમાં વધુ નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વેની કામગીરી કરીને જરૂરી સહાય મળે તે દિશામાં સરકાર હાલ વિચારી રહી છે.