પંચમહાલ જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. અહીં મુખ્યત્વે ડાંગર અને મકાઇનો પાક થાય છે. આ વખતે જિલ્લામાં વધારે અને કમોસમી વરસાદને કારણે તેની પાકના ઉત્પાદન પર પણ અસર પહોંચી છે. જેમાં ડાંગરના પાકની જો વાત કરવામાં આવે તો વધુ વરસાદને કારણે અને પાછળથી પડેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચતા ઉત્પાદન પર અસર પહોંચી છે.
મકાઇમાં પણ હાલ ઇયળોરુપી જીવાત પડવાને કારણે ઉત્પાદન પર અસર પડવાની શકયતાને પણ નકારી શકાય તેમ નથી. એક તરફ મોંઘવારીમાં ખેડૂતો દેવૂ કરીને બિયારણ, ખાતર લાવીને ડાંગર અને મકાઇની ખેતી કરી હતી. કેટલાક ખેડૂત પ્રતિવર્ષ 100 મણ જેટલી ડાંગર પકવતા હતા પણ વધુ વરસાદને કારણે ડાંગરના પાકને પણ નુકસાન પહોંચ્યુ છે. જેથી ઉત્પાદન પણ ઓછુ મળ્યું છે.
મકાઇના પાકમાં પણ એવી જ પરિસ્થિતિ પેદા થઈ છે. જેમાં મકાઇના છોડમાં ઇયળોના ઉપદ્રવના કારણે પાક તૈયાર થાય તે પહેલા જ નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, તાજેતરમાં સરકાર દ્વારા જે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તેને પણ લોલીપોપ સમાન ગણાવી છે.
આ પહેલા પણ આવી ખેડૂતોને 2000 રૂપિયા અમૂક મહિનાના અંતરે ખેડૂતના ખાતામાં નાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરતું હજી સુધી કેટલાય ખેડૂતોના ખાતામાં નાણા આવ્યા નથી. ત્યારે આ સહાયના જે નાણા આવશે જે 4000 જેટલા મળશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યાં છે. તેની સામે 50,000 જેટલુ ખેતીમાં નુકસાન પહોચ્યું તેનું શું? તેવા પણ સવાલો ખેડૂતો કરી રહ્યાં છે.