- "બચપન કા પ્યાર"ના મૂળ ગાયક પંચમહાલના કમલેશ બારોટ
- 100-200 રૂપિયામાં લોકલ બેન્ડમાં કરતા હતા કામ
- ટૂંક સમયમાં આવી શકે છે 'બચપન કા પ્યાર' પાર્ટ 2
પંચમહાલ: "બચપન કા પ્યાર" ગીત આજકાલ દરેકના મોઢે સાંભળવા મળે છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલું આ ગીત છત્તીસગઢના એક આદિવાસી વિસ્તારના બાળકે બે વર્ષ પહેલાં શાળાની હોસ્ટેલમાં ગાયુ હતું, આ ગીત હાલ દેશ-વિદેશમાં વાયરલ થઈ રહ્યું છે, ત્યારે આશ્ચર્યની વાત એ છે કે, છત્તિસગઢમાંથી વાયરલ થયેલા આ ગીતના મૂળ ગાયક ગુજરાતના કમલેશ બારોટ છે.
આ પણ વાંચો- જાણો, 'બચપન કા પ્યાર' ગીત સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો...
કોણ છે કમલેશ બારોટ?
કમલેશ બારોટ મૂળ પંચમહાલના હાલોલના વતની છે. નાનપણથી જ ગીત ગાવાના શોખીન અને મૂળ ચારણ કુળમાં જન્મેલા કમલેશ બારોટે પોતાના કરિયરની શરૂઆત લોકલ બેન્ડમાં ગીતો ગાય અને વાજિંત્રો વગાડીને કરી હતી. બેન્ડમાં કામ કરી 100-200 રૂપિયા કમાણી કરતા ધીરે ધીરે પંચમહાલના આદિવાસી લોકોની પસંદ અને તેમની રહેણી કરણી જોઈને લોકગીત ગાવાની શરૂઆત કરી હતી. 2001ની સાલમાં 'ટીમલી કિંગ' તરીકે પ્રસિદ્ધ થયા, ત્યારબાદ અનેક ગીતો ગાઈને પોતાના મ્યૂઝિક આલ્બમ બહાર પાડ્યા હતા.
કમલેશ બારોટ ધરાવે છે સહદેવને મળવાની ઈચ્છા
વૈશ્વિક સ્તરે વાયરલ થયેલું 'બચપન કા પ્યાર' ગીત તેમણે બે વર્ષ પેહલા ગાયુ હતું. ગીતકાર તરીકે પી.પી. બારીયા અને ગાયક તરીકે કમલેશ બારોટને આ ગીતનો શ્રેય જાય છે. છત્તિસગઢના સહદેવ દ્વારા આ ગીતને ગાવામાં આવ્યું અને ખુબજ પ્રસિદ્ધ થયું. જેને માટે કમલેશ બારોટે આ બાળકને શુભેચ્છાઓ પણ પાઠવી છે અને જ્યારે મોકો મળશે ત્યારે બાળકને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. કમલેશ 'બચપન કા પ્યાર' પાર્ટ 2 બનાવવા માટે પણ ખૂબ ઉત્સાહી છે.