પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે ગત 2 ઓગસ્ટે ગામના 7 વ્યક્તિઓને શ્વાન કરડવાની ઘટના બની હતી. જેમાં ગામની 3 મહિલા 1 બાળક સહીત કુલ 7 લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા હતાં, શ્વાન કરડવાની ઘટના બન્યા બાદ તમામ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે મોરવા હડફ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન મંગળવારે એક વૃધ્ધા શારદાબેન બારીયાનું તેમજ બુધવારે એક 7 વર્ષીય બાળક યુવરાજ બારીયાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.
શ્વાન કરડવાથી ઈજા પામેલા તમામ દર્દીઓને હડકવા વિરોધી રસીના કુલ 5 ડોઝ તેની નિયત સમય મર્યાદામાં આપવાના હોય છે. મૃતક મહિલાને પાંચમો અને અંતિમ ડોઝ આગામી 30 ઓગસ્ટના રોજ આપવાનો હતો જ્યારે મૃતક બાળકને પણ હડકવાની રસીનો ચોથો ડોઝ આગામી 30 ઓગસ્ટે જ આપવાનો હતો, પરંતુ આખરી રસી આપવામાં આવે તે પહેલા જ બંનેના સારવાર દરમિયાન મોત થતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
સારવાર દરમિયાન જ મોત થતા મૃતકના પરિવારજનો દ્વારા સારવાર દરમિયાન તબીબી નિષ્કાળજીને લઈને જ મોત થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સ્થાનિક મોરવા હડફ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે હડકવા વિરોધી રસીનો અભાવ છે. જેને લઈને જ દર્દીને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતાં અને માટે જ દર્દીને યોગ્ય સમય મર્યાદામાં યોગ્ય સારવાર ન મળતા અને વેક્શીનેશન ન થવાને કારણે જ દર્દીના મોત થયા છે.