ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં એફસીઆઈ ગોડાઉન પાસે આવેલા એક ખાનગી ગોડાઉનને સોસાયટી તરીકે બતાવી દેવામાં આવી હોવાની રજૂઆત અરજદારે કરી છે. જેમાં આ ખાનગી ગોડાઉનના ૩ રૂમને અજગર પાર્ક સોસાયટી તરીકે મતદાર યાદીમાં દર્શાવી આ સોસાયટીમાં ૨૨૪ મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે, જે તમામ મતદારો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યુું છે. ગોધરા શહેરના વોર્ડ નંબર-2 126,ગોધરા વિધાનસભા 130/282ની 2017ની મતદારયાદીમાં અજગરપાર્ક લુણાવાડા રોડ, સાંપારોડ, એફ.સી.આઈ પાસે સોસાયટી ન હોવા છતાં પણ વોર્ડ નંબર-2 વિભાગ નંબર-1માં 1થી 224 મતદારોના નામો ખોટા દસ્તાવેજોના આધારે ખોટા રેસિડેન્ટ પૂરાવાના આધારે મતદાર યાદીમાં દર્શાવવામાં આવ્યા છે. સોસાયટીમાં ન હોવા છતાંય મતદારોના નામો યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
બી.એલ.ઓને રજૂઆત કરાતા તેમણે સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થળ પર અજગરપાર્ક નામની કોઈ સોસાયટીઓ ન હોવાનું બહાર આવ્યું હતું અને આ નામોની સોસાયટી ન હોવાની કબૂલાત પણ બી.એલ.ઓએ કરી હતી. જેને લઈને હવે આ મતદાર યાદીનો મામલો કલેક્ટર સમક્ષ પહોંચ્યો છે. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. આ પ્રકારે મતદાર યાદીમાં ખોટા નામ એડ કરાવનાર ભેજાબાજ શખ્સ કોણ છે. તેની પણ તપાસ હાથ ધરાય તે જરૂરી છે. મળતી વિગતો પ્રમાણે જે લોકો બહારથી ધંધા રોજગાર અર્થે ગોધરામાં આવીને વસી રહ્યાં છે. તે લોકોનો નામ આ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.