- ભાજપે મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા
- નિમિષા સુથાર ભાજપના ઉમેદવાર
- હાલ પંચમહાલ જિલ્લાના ભાજપ ઉપ-પ્રમુખ છે નિમિષા સુથાર
પંચમહાલ : જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત એવી મોરવા હડફ વિધાનસભા બેઠક માટે 17 એપ્રિલના રોજ પેટા ચૂંટણી યોજાશે. આ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 માર્ચ છે. જ્યારે 31 માર્ચના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે સુરેશ કટારાના નામની જાહેરાત હોળીના શુભ દિવસે કરવામાં આવી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધુળેટીના પાવન દિવસે વર્તમાનમાં પંચમહાલ જિલ્લાના ભાજપ ઉપ-પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા નિમિષા સુથારને ફરીથી ટિકિટ આપીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
આ પણ વાંચો - મોરવાહડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યો
21 ઉમેદવારોમાંથી નિમિષા સુથારની પસંદગી
26 માર્ચના રોજ વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, મુખ્યપ્રધાન નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી 21 લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી 04 નામ જેમાંથી શોર્ટલિસ્ટ કરાયા હતા. જેમાં આખરે આખરે પસંદગીનો કળશ અનુભવી નિમિષા સુથાર પર ઢોળવામાં આવ્યો છે.
આ પણ વાંચો - હાર્દિક પટેલની ઉપસ્થિતમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઇ
અગાઉ આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે, નિમિષા સુથાર
ઉલ્લેખનીય છે કે, 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સવિતા ખાંટ આ બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા, પરંતુ તેમના અવસાનથી 2013માં આ બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી નિમિષા સુથાર વિજેતા જાહેર થયા હતા. જ્યારે 2017માં ભૂપેન્દ્રસિંહ ખાંટ જેમને અપક્ષ તરીકે વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમને ભાજપના ડીંડોર વિક્રમસિંહ સામે 04 હજારથી વધુ મતોથી જીત્યા હતા. જો કે, ભુપેન્દ્રસિંહના અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ પર પ્રશ્ન ઊભો થતા, સંપૂર્ણ વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ આ દરમિયાન તેમનું મૃત્યુ થતા આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું હતું અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - મોરવા હડફ ખાતે યોજાયેલ કોંગ્રેસ બેઠકમાં ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ