પંચમહાલ: ગુજરાતમાં ફેબ્રુઆરી 2002 દરમિયાન ગોધરા ખાતે સાબરમતી ટ્રેન હત્યાકાંડના પડઘમને પગલે ફાટી નીકળેલા કોમી રમખાણમાં અનેક આરોપીઓ સામે કાયદાકીય પગલાં લેવાયા હતા. જેમાં હાલોલ કોર્ટે પૂરતા પુરવાઓને તથા સાક્ષીઓની વાત સાંભળીને ચૂકાદો જાહેર કર્યો છે. 52 આરોપીઓ વિરુદ્ધ હાલોલ સેશન્સ કોર્ટમાં 20 વર્ષ, 9 મહિના, 17 દિવસ સુધી લડતના અંતે સોમવારે તમામ 52 આરોપીઓ નિર્દોષ હોવાનો ચુકાદો જાહેર થતાં આરોપીઓના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો.
સરકારી રાહે દાખલ: ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચાવનાર ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને સળગાવવાની ઘટનાને પગલે તે સમયે ગુજરાતભરમાં ફાટી નીકળેલી કોમી રમખાનમાં પંચમહાલ જિલ્લાના કાલોલ શહેર, દેલોલ ગામ અને ડેરોલસ્ટેશન ખાતે છૂટાછવાયા સર્જાયેલ રમખાણોની ઘટનાઓ અંગે પોલીસે પગલાં લીધા હતા. જેમાં આ તમામ લોકો સામે કાયદેસરના પગલાં ભરાયા હતા.
જેલમાં ધકેલી દેવામાં આવ્યા: અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન એ સમયની ફરિયાદને આધારે તત્કાલીન સમયે જ કાલોલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને કાચા કામના કેદીઓ તરીકે તમામ આરોપીઓને કાલોલ, હાલોલ અને ગોધરાની સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે તમામ આરોપીઓએ જેલવાસ દરમિયાન કોર્ટની રાહે જામીન મેળવીને વચગાળાનો છુટકારો મેળવ્યો હતો.
આરોપીઓને નિર્દોષ: આરોપીઓ વિરુધ્ધના આક્ષેપિત ગુન્હાઓ અંગે ફરીયાદ પક્ષ દ્વારા હકીકતો અને પુરાવાઓ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાના વિવિધ તથ્યોને આધારે તારીખ 12 જુન2023 ના રોજ હાલોલ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના જજે ચુકાદો આપતા તમામ ૫૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે પાછલા 20-21 વર્ષ સુધી ચાલેલા કોર્ટ ટ્રાયલના ચૂકાદા દરમ્યાન 17 આરોપીઓનું નિધન થયું છે.
33 આરોપીઓ છૂટ્યાઃ જ્યારે હાલ જીવીત એવા 33 આરોપીઓ અને તેમના પરિવારજનોએ નિર્દોષ છુટકારા અંગે રાહતનો શ્વાસ લઇને આનંદની લાગણી અનુભવી પંચમહાલના કાલોલ શહેર, દેલોલ ગામ અને ડેરોલસ્ટેશન સહિતના કોમી હુલ્લડો અંગે ચાલુ વર્ષે હાલોલ સેશન્સ કોર્ટ દ્વારા પ્રથમ જાન્યુઆરીમાં 22 આરોપીઓ નિર્દોષ જાહેર કર્યા હતા.
આરોપીઓને નિર્દોષ: જે પછી માર્ચ મહિનામાં આવેલા ચુકાદામાં 39 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે જુન મહિનામાં વધુ એક કેસમાં ૫૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અત્રે આ કેસની લાંબી લડત લડતા કાલોલના વિજયભાઈ પાઠક અને ગોધરાના ગોપાલસિંહ સોંલકી જેવા નામી વકીલોની લડત અને મહેનતના પરિણામોથી આરોપીઓ નિર્દોષ જાહેર થતા હાલ જીવીત એવા તમામ આરોપીઓએ તેમના વકીલોનો આભારભાવ પ્રગટ કર્યો હતો.