ગોધરામાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં દારૂ પીવાની બાબતે તકરાર થતા મિત્ર એ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. ગોન્દ્રા વિસ્તારમાં આવેલા કાલુશા કબ્રસ્તાનમાંથી તારીખ 10 નવેમ્બર 2019ના રોજ એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણકારી પોલીસને મળતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા યુવાનની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું. પરંતુ મૃતક યુવાનના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ હોવાના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જો કે, FSL રીપોર્ટ અને રહીશોની મદદથી ઓળખ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે પોલીસે અજાણ્યા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસપોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલે મોકલ્યો હતો.
આરોપીની ઓળખ માટે પોલીસે ઈ ગુજ્કોપ પ્રોજેક્ટ હેઠળ આવતા ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટીફીકેશન સીસ્ટમની મદદ લીધી હતી. જેમાં મૃતદેહના ફીંગર પ્રિન્ટ ગોધરામાં રહેતા નંદનસિંહ કટારા નામના વ્યક્તિ સાથે મેચ થયા હતાં. ત્યારબાદ પોલીસે આરોપીની તપાસ કરી હતી. જેમાં તેણે પોતાનો ગુનો કબૂલતાં તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.