- હાલોલ-વડોદરા હાઇવે પર અકસ્માત
- એક જ ગામના બે યુવાનોના મોત
- એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
પંચમહાલઃ હાલોલ-વડોદરા હાઇવે રોડ પર સોમવારે બપોરના સમયે ટોલનાકા પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા હાલોલ તાલુકાના આનંદપુરા ગામના બે યુવાન મિત્રોના મોત નિપજ્યાં હતા. આ બનાવની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. હાલોલ તાલુકાના આનંદપુરા ગામના બે મિત્રો અકસ્માતમાં મોતને ભેટતા આનંદપુરા ગામે શોકનું મોજુ ફેલાયું હતું.
ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને તેઓની બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત
આ બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના આનંદપુરા ગામે રહેતા મનોજ નરવતભાઈ પરમાર અને તેઓના મિત્ર અશ્વિન કનુભાઈ પરમાર આનંદપુરા ગામેથી હાલોલ-વડોદરા હાઇવે રોડ પર થઈને હાલોલ તરફ આવતા હતા, તે દરમિયાન બપોરના સમયે ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને તેઓની બાઈકને અચાનક ટક્કર મારતા બંને મિત્રો બાઇક સહિત રોડ પર પછડાતા બન્ને મીત્રો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મનોજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું, જ્યારે અશ્વિનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં અશ્વિનનું પણ કરૂણ મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે મોત થયેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આનંદપુરા ગામમાં શોકની લાગણી ફેલાઈ
આ બનાવને લઈ આનંદપુરા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. મનોજ તેમજ અશ્વિનના પરિવારજનો સહિત આનંદપુરા ગામના લોકો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. આ બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત સર્જનારા અજાણ્યા વાહન વિશે તપાસ હાથ ધરી હતી.