પંચમહાલ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હાલોલમાં વરસેલા ભારે વરસાદમાં ઔદ્યોગિક વસાહતમાં એગ્રો કેમિકલ કંપનીની દીવાલ ધરાશાયી થઈ હતી. જે બાજુમાં ઝૂંપડાં બાંધી રહેતા શ્રમિકોના પરિવાર ઉપર પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે. જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
4 બાળકો મોતને ભેટ્યાં: શિવરાજપુર ખાતે ખુલ્લા પ્લોટમાં આવેલા જીએમડીસીમાંથી ડસ્ટ લાવીને ઢગલા કરવામાં આવતા હતા, જ્યાં એનું પ્રોસેસિંગ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ ડસ્ટ પ્રોસેસ કરતા શ્રમિકો ત્યાં ઝૂંપડાં બાંધી રહેતા હતા. તેમનાં ઝૂંપડાં ઉપર એ ખુલ્લા પ્લોટની બાજુમાં આવેલી એક એગ્રો કંપનીની દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 4 બાળકો 5 વર્ષથી નીચેની વયના છે. મૃતકોમાં ત્રણ સગા ભાઈ બહેન હતા. આ ગોઝારી ઘટનામાં કુલ 4 લોકો ઇજાગ્રત થયા છે.
કેવી રીતે બની ઘટના: આ ઘટના હાલોલ જી આઈ ડી સી ચંદ્રાપુરા પાસે આવેલ બની હતી. જેમાં શ્રમિક પરિવાર એક એગ્રો કંપનીના બનાવેલ કોટને અડીને ઝૂંપડું બાંધીને રહેતો હતો. જેમાં પંચમહાલના હાલોલ ખાતે અતિભારે વરસાદ પડવાના કારણે દીવાલ તૂટીને આ શ્રમિક પરિવારના ઝૂંપડા ઉપર પડી હતી. જેમાં આઠ શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાં 4 માસૂમ બાળકોના જીવ ગયા અને અન્ય મહિલાઓને ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ ઘટના પર પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ રેફરલ ખસેડવામાં આવ્યા હતા.