નવસારી: ઉનાળાની ગરમી વધી રહી છે અને હાલમાં હીટ વેવની સ્થિતિ બની છે. ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર રહેતા આકરા તાપથી બચવા ગામડાઓમાં યુવાનો નદી, નહેરમાં ન્હાવા પડતા હોય છે. હાલમાં લોકડાઉનની સ્થિતિમાં પણ નવસારીના ગણદેવીમાંથી પસાર થતી વેગણિયા નદીમાં ગુરુવારે સાંજે ન્હાવા પડેલા યુવાનો પૈકી અકસ્માતે ડૂબી રહેલા યુવાનને ગણદેવી ફાયર બ્રિગેડના લશ્કરો અને પોલીસે મહામહેનતે બચાવ્યો હતો.
ગુરુવારે બપોરે નવસારી જિલ્લાના ગણદેવીમાંથી પસાર થતી વેગણિયા નદીના બંધારા પૂલ નજીક સુંદર વાડીમાં રહેતો દિવ્યેશ ગુલાબભાઈ પટેલ (23) નદીના ઊંડા પાણીમાં ન્હાવા ગયો હતો. લોકડાઉનના સમયમાં પણ ઘરમાંથી બહાર નીકળી દિવ્યેશ સાથે અન્ય યુવાનો પણ નદીમાં નાહવા પડ્યા હતા, પરંતુ અચાનક અકસ્માતે દિવ્યેશ નદીમાં તણાવા લાગતા તેણે મદદ માટે બચાવો બચાવોના પોકારો કર્યા હતા અને એકાએક નદીના પાણીમાં ગાયબ થયો હતો. જેને કારણે નદીમાં ન્હાવા પડેલા યુવાનો અને નદી કાંઠે ઉભેલા લોકોમાં હડકંપ મચી ગયો હતો.
બુમાબુમ થતા લોકો દ્વારા પાલિકા, પોલીસ અને સ્થાનિક તરવૈયા જાણ કરતાં તેઓ મદદે દોડી આવ્યા હતા. આ દરમિયાન શોધખોળ કરતા પાલિકા ફાયર બ્રિગેડના તરવૈયાઓની નજર વનસ્પતિવાળી ટેકરી ઉપર પડતા દિવ્યેશનુ માથું નજરે ચઢ્યું હતું. જેથી તાત્કાલિક ટેકરી પાસે પહોંચી ડૂબી રહેલા દિવ્યેશ પટેલને બહાર કાઢી ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો.
ગણદેવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી ડૂબી રહેલા દિવ્યેશ પટેલનો જીવ બચાવી લેવાયો હતો. જ્યારે ગણદેવી પોલીસના જવાનોએ પણ યુવાનને બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી.