નવસારી: રેલવેના ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટને લઇ નવસારી રેલવે સ્ટેશન નજીકના રેલવે ગરનાળાને બંધ કરી આરંભાયેલુ નવા ગરનાળાનુ કામ લોકડાઉનને કારણે અટકી પડ્યું હતું. જેથી ચોમાસા પૂર્વે ગરનાળાનું કામ પૂર્ણ નહીં થાય તો નવસારીજનોની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ સ્થાનિક કોર્પોરેટરોના પ્રયાસો અને નવસારીમાં સાંસદની રજૂઆતને પગલે રેલવે તંત્રએ લોકડાઉન 2માં મળેલી છૂટછાટમાં ગરનાળાના કામનો પ્રારંભ કરતા લોકોમાં ખુશી જોવા મળી છે.
જોકે નવસારી નગરપાલિકા દ્વારા પશ્ચિમે બંદર રોડથી પૂર્ણાના રેલવે બ્રિજ નીચેથી પૂર્વે રીંગ રોડ સુધીનું ડાયવર્ઝન આપ્યું હતું, પરંતુ ચોમાસામાં ડાયવર્ઝન વિસ્તારમાં પાણી ભરાશે, જેને કારણે રસ્તો બંધ થવાની શક્યતા છે. બીજી તરફ રેલવે ગરનાળુ શરૂ થાય તો લોકોની આવન-જાવનની સમસ્યાનુ મહદ અંશે નિરાકરણ આવી શકે છે. જેથી સ્થાનિક નગર સેવકો ત્રિભોવન ચાવડા અને હિંમત પટેલે નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ તેમજ નવસારીના સાંસદ સી. આર. પાટીલને ગરનાળાનું કામ ચોમાસા પૂર્વે પૂર્ણ થાય અને લોકડાઉનમાં કામ શરૂ કરવાની મંજૂરી મળે એવી માંગણી સાથે રજૂઆત કરી હતી.
જેને ધ્યાને લઇ સાંસદ પાટીલે પશ્ચિમ રેલવેના અધિકારીઓને રજૂઆત કરી હતી. આ દરમિયાન લોકડાઉન 2માં ભારત સરકારે છૂટછાટ આપતા રેલવે તંત્રએ નવસારીના ગરનાળાની રજૂઆતને ધ્યાને લઇ કામ શરૂ કરાવ્યું છે. જેને લઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે. આ સાથે જ તંત્ર ચોમાસાની શરૂઆત પૂર્વે ગરનાળાનું કામ પૂર્ણ થાય એવી આશા સેવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, નવસારી રેલવે સ્ટેશન નજીકની રેલવે ફાટક બંધ કરી અહીં રેલવે ઓવર બ્રિજ બનાવવાની યોજના છે, પરંતુ રાજકીય ગૂંચને કારણે ઓવર બ્રિજનો નકશો બદલાતો રહ્યો છે. જ્યારે રેલવે ગરનાળાનું કામ શરૂ થયુ છે, ત્યારે નવસારીને રેલવે ઓવર બ્રિજ મળશે કે કેમ? પ્રશ્ન પણ લોક માનસમાં ચર્ચાઈ રહ્યો છે.