નવસારી: ભરઉનાળે જિલ્લાના આદિવાસી બાહુલ્ય વાંસદા તાલુકાના ઘણા ગામડાઓમાં ભૂગર્ભ જળ નીચે ઉતરી જવાને કારણે ગ્રામીણોએ પીવાના પાણીની સમસ્યા વેઠવી પડી રહી છે. વાંસદાના સરહદી ગામ માનકુનિયાના ખોડા ફળીયામાં સરકારી બોરના પાણી નીચે ઉતરી ગયા હોવાથી આદિમજૂથના પરિવારોને તરસ છીપાવવા આકરા તાપમાં દૂર દૂરથી માથે બેડા મૂકી પાણી લાવવું પડે છે.
ઉનાળો દરમિયાન આદિવાસી અને ડુંગરાળ ગામોના લોકોને તરસે મરવાનો વારો આવ્યો છે. આકાશમાંથી અગન વર્ષા વરસાવતા સૂર્ય દેવતા ધરતીમાંથી પાણી શોષી લે છે. જે કારણે આદિવાસીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
વાંસદાના સરહદી ગામોમાંનું એક માનકુનિયાના ખોડા ફળિયામાં આદિમ જૂથના ગરીબ આદિવાસીઓની વસ્તી વધારે છે અને તેઓ મજૂરી સાથે પશુપાલન કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે. પરંતુ ઉનાળામાં પાણી સમસ્યા ઉભી થતા મહિલાઓએ માથે બેડા લઇ બીજા ગામેથી અથવા અડધોથી એક કિલોમીટર દૂર આવેલા ખાનગી બોરમાંથી પાણી લેવા જવું પડે છે.
ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, પણ માણસોને પીવાના પાણીની સમસ્યા હોય, ત્યાંરે પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગ્રામીણો માટે માથાના દુઃખાવા સમાન છે. જો કે, વિકસિત ગુજરાતની મહેનતી આદિવાસી મહિલાઓ આકરા તાપમાં દૂરથી માથે બેડા મુકી પાણી લાવવા મજબૂર બની છે. ત્યારે સરકાર પાણીની આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે એવી લોકમાંગ ઉઠી છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા માનકુનિયા ગામના ખોડા ફળીયા માટે ત્રણ વર્ષ અગાઉ પાણી યોજના બનાવી કાર્યરત કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ત્રણ વર્ષ વીતવા છતાં પાણી પુરવઠાની ટાંકીમાં પાણીનું એક ટીપુ પણ પડ્યુ ન હોવાના આક્ષેપો સ્થાનિક આગેવાનો લગાવી રહ્યા છે.
ઉનાળાના આકરા તાપમાં પાણી માટે વલખા મારતા માનકુનિયા ગામના લોકો માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર યોગ્ય પાણી યોજના બનાવી તેને ક્રિયાન્વિત કરે અને ઉનાળામાં પણ આદિવાસીઓને પાણી સમસ્યાનો સામનો ન કરવો પડે એવી કાર્યવાહીની માંગણી સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે.