નવસારી: સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. જેને લઈને ઘણી જગ્યાએ મૃત્યુઆંક પણ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ રખડતા ઢોરોનો ત્રાસની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક જેવા વિસ્તારમાં ભરબજારની વચ્ચે સવારે 11 વાગ્યાની આસપાસ આખલા યુદ્ધ જામ્યું હતું. જેમાં બે આખલાઓ રસ્તાની વચ્ચોવચ યુદ્ધે ચડ્યા હતા.
![આખલા યુદ્ધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-09-2023/gj-nvs-03-av-aakhla-yudhh-gj10079mp4_05092023200745_0509f_1693924665_333.jpg)
ભરબજારે આખલા યુદ્ધ: સવારે 11 વાગ્યાની આસપાસ ભરબજારની વચ્ચે આખલા યુદ્ધ જામ્યું હતું. જેમાં બે આખલાઓ રસ્તાની વચ્ચોવચ બાખડી પડ્યા હતા. આ આખલા યુદ્ધને કારણે રસ્તાની સાઇડે મુકેલા વાહનો અડફેટે આવ્યા હતા. રોડની સાઈડમાં આવેલી દુકાનોના વ્યાપારીઓને પોતાના શટલ પાડવાની નોબત આવી હતી. આખલાઓને છૂટા પાડવા માટે સ્થાનિકો સાથે કોર્પોરેટર આશિત રાંદેરવાલા પણ હાથમાં લાકડી લઈ આખલાઓને છૂટા પાડવા મેદાને ઉતર્યા હતા.
કોઈ જાનહાનિ નહિ: થોડા સમય ચાલેલા આ આખલાઓને સ્થાનિકોએ લાકડી ડંડા અને પાણીના મારા ચલાવીને છૂટા પાડવાના પ્રયાસ કર્યા હતા. જેમાં આખલાઓએ ત્યાંથી પસાર થતી એક બાળકીને પણ અડફેટે લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. નવસારી વિજલપુર નગરપાલિકા અવારનવાર રખડતા ઢોર પકડવાની કામગીરી કરે છે તેમ છતાં હજુ રખડતા ઢોરોનો ત્રાસ શહેરમાં યથાવત રહ્યો છે. જેને લઈને સ્થાનિકો પણ આ રખડતા ઢોરોની સમસ્યાનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે.
ઢોર પકડવાની કામગીરી કાગળ પર: કોંગ્રેસના આગેવાન પિયુષ ડિમર જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'રખડતા ઢોરોની સમસ્યા વર્ષોથી જટિલ બની છે. વિજલપુર નગરપાલિકા આ સમસ્યાનો કોઈ નક્કર હલ લાવી શકી નથી. પાલિકા ઢોર પકડવાની કામગીરી ફક્ત કાગળ પર કરી વાહવાળી લૂંટે છે પરંતુ સમસ્યા જ્યાંની ત્યાં છે. ભૂતકાળમાં અનેક બનાવો એવા બન્યા છે જેમાં રખડતા ઢોરના કારણે યુવાનો અને વૃદ્ધોએ મોતને ભેટવાનો પણ વારો આવ્યો છે. વારંવાર આ સમસ્યાને લઈને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.