- ઉપપ્રમુખ જાગૃતિ દેસાઈ કોરોના સંક્રમિત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
- નવસારી પહોંચેલી દાંડીયાત્રામાં પણ માસ્ક વગર જોવા મળ્યા હતા પાલિકા ઉપપ્રમુખ
- કોરોના સંક્રમણ વધવાની સંભાવના વચ્ચે દાંડિયાત્રામાં એકઠી થઈ હતી ભીડ
નવસારી: વધતા જતા કોરોનાના કેસ વચ્ચે તાજેતરમાં જ દાંડીયાત્રા નવસારી આવી પહોંચી હતી. જેમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ જાગૃતિ દેસાઈ પણ ઉત્સાહભેર જોડાયા હતા. જોકે, ઉત્સાહમાં તેઓ માસ્ક પહેરવાનું પમ ભૂલી ગયા હોય, તેમ માસ્ક વગર લોકોને મળ્યા હતા અને ફોટા પણ પડાવ્યા હતા. જોકે, દાંડીયાત્રા પૂર્ણ થયા બાદ પાલિકા ઉપપ્રમુખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે ફોટા પડાવનારા અને સંપર્કમાં આવનારા તમામ લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. કોરોના સંક્રમિત જાગૃતિ દેસાઈને ક્વોરન્ટાઈન કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: 7 એપ્રિલના રોજ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
સંપર્કમાં આવેલા લોકોમાં ભયનો માહોલ
પાલિકા ઉપપ્રમુખ જાગૃતિબેન દેસાઈ અને તેમના પતિ સંદિપ દેસાઈ છેલ્લા 3 દિવસથી ભાજપના આગેવાનો સાથે દાંડીયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા અને દાંડીયાત્રા સમાપન સમારોહમાં પણ હાજર રહ્યા હતા. દાંડીયાત્રા બાદ અચાનક તેઓ કોરોના સંક્રમિત થવાની માહિતી મળતા તેમની સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. દાંડીયાત્રા દરમિયાન જાગૃતિબેન ઘણી જગ્યાએ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. જેથી તેમની સાથે સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના સંક્રમિત થયા હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી.