- 241 માઈલની મજલ કાપી દાંડી યાત્રા ઐતિહાસિક દાંડી પહોંચી
- અંતિમ પડાવમાં યાત્રામાં રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર અને ચીફ સેક્રેટરી અનિલ મુકીમ જોડાયા
- ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાને આપી બાપુને શ્રદ્ધાંજલિ
નવસારી: આઝાદ ભારતને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે પૂર્વે આઝાદીની ચળવળમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચને ભારત સરકારે ફરી જીવંત કરી હતી. કોરોના કાળમાં નીકળેલી યાત્રા 386 કિમીનું અંતર કાપીને સોમવારે સાંજે નવસારીના ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે પહોંચી હતી. પરંતુ જિલ્લામાં વકરતા કોરોના વચ્ચે યાત્રાને આવકારવામાં ઠેર ઠેર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને તંત્ર કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવમાં સદંતર નિષ્ફળ રહ્યુ હતુ. જ્યારે આજે બુધવારે સવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં તંત્રએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે
દાંડી યાત્રાના સ્વાગતમાં ભીડ ભેગી થતા સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા
ભારતમાં આઝાદીની ચળવળને વેગ આપવા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1930માં અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી કુચ કરી સત્ય અને અહિંસાનાં માર્ગે મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરી સત્યાગ્રહ કર્યો હતો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે દેશને એકતાના તાંતણે બાંધવા દાંડી યાત્રાને ફરી જીવંત કરી છે. 241 માઈલની મજલ કાપી દાંડી યાત્રા 5 એપ્રિલ, સોમવારની સાંજે નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે પહોંચતા જ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જે પૂર્વે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર અને ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ યાત્રામાં જોડાયા હતા.
દાંડી પહોંચતા જ 81 પદયાત્રીઓએ બાપુને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પી
સમગ્ર દાંડીયાત્રા દરમિયાન ગામે ગામ યાત્રિકોનું સુતરની આટી પહેરાવી અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયુ હતુ. જેના માટે શાળાના શિક્ષકો અને બાળકોને ખાસ તૈયાર કરાયા હતા. કોરોના કાળ હોવા છતાં દાંડી યાત્રાના સ્વાગતમાં ઠેર ઠેર ભીડ ભેગી થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. છતાં કોરોનાના ભય વિના તંત્ર યાત્રાને સફળતા પૂર્વક પૂરી કરાવવા મથતુ રહ્યુ હતુ. દાંડી પહોંચતા જ 81 પદયાત્રીઓએ બાપુને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પણ વાંચો : ભાવનગરમાં 4 સ્થળો પર અમૃત મહોત્સવ યોજાયો તો દાંડી યાત્રા પર નાટક રજૂ થયું
સમાપન સમારોહમાં દેશના વિભિન્ન પ્રાંતના કલાકારોએ રજૂ કરી સાંસ્કૃતિક વિરાસત
25 દિવસ અને 386 કિમીનું અંતર કાપી દાંડી યાત્રા દાંડી પહોંચતા આજે બુધવારે સવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન સાથે મહાત્માને વંદન કરી પદયાત્રીઓનું અભિવાદન કર્યુ હતું. સાથે જ સૈફીવિલા અને સ્મારકને નિહાળી બાપુને યાદ કર્યા હતા. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં 1500થી વધુ લોકો જોડાયા હતા. અહીં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી તંત્રએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો હતો.
વેંકૈયા નાયડુએ દાંડીકૂચ સમયની યાદોને વાગોળી
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દાંડીકૂચ સમયની યાદોને વાગોળી હતી. સાથે જ કોરોનાને પરાસ્ત કરવાની આશા વ્યક્ત કરી, કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સમાં સૌથી આગળ ભારતના ખેડૂતોને ગણાવ્યા હતા. જેમણે મહામારીના સમયમાં પણ અનાજ ઉગાડી અન્ન પુરવઠો પૂરો પાડ્યો હતો. સમાપન સમારોહમાં ભારતના વિભિન્ન પ્રાંતમાંથી આવેલા કલાકારોએ પોતાની સાંસ્કૃતિક વિરાસત દર્શાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા
દાંડીયાત્રાના સમાપન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસીંગ તમાંગ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ અને સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.