નવસારી: રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ અને કોંગ્રેસ વ્યસ્ત છે, ત્યારે જીત મેળવવા માટે જોડતોડની રાજનીતિ ચરમ પર પહોંચી છે. જેમાં ડાંગ અને કપરાડાના કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં ભળે એવી સંભાવનાઓ પ્રબળ બની છે. તો બીજી તરફ, કોંગ્રેસે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને પણ મધ્યપ્રદેશના ધારાસભ્યો સાથે જયપુરમાં રાખવાની યોજના બનાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવાનાં પ્રયાસોમાં છે. ત્યારે ભાજપ તરફ કોંગી ધારાસભ્યોના વળગણને લઈને કોંગ્રેસ સફાળી જાગી છે. જો કે, ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થઇ છે અને કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યાની વાતો વચ્ચે ડાંગ અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યો પણ ભાજપમાં ભળે એવી અટકળો વધી છે. ત્યારે કોંગ્રેસ દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને આજે સાંજે સુરત એરપોર્ટથી જયપુર લઇ જવાની તૈયારી કરી રહી છે. જેમાં નવસારીના વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, "ભાજપે ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે. પક્ષને વરેલા ધારાસભ્યો વેચાશે નહીં અને રાજીનામાં પણ નહી આપે. સાથે જ પક્ષ જયપુર કે મહારાષ્ટ્ર જ્યાં જવાનું કહેશે, ત્યાં જવાની પણ તૈયારી દર્શાવી હતી."