વાંસદાઃ ભીનાર ગામે દેસાઈ ફળિયામાં ચાલતી પ્રાથમિક વર્ગ શાળાના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. ધો.1થી 5માં અભ્યાસ કરતા 45 જેટલા બાળકોને 3 કિલોમીટર દૂર આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે બોલાવાઈ રહ્યા છે. પરિણામે કુમળા બાળકો ઉપરાંત વાલીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સમસ્યાનો સામનો કરી રહેલા વાલીઓ એ અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી.જેમાં શાળા જર્જરિત હોવાનું જણાવી હાલ કોઈ નિરાકરણ આવી શકે તેમ નથી તેવા કારણો રજૂ કરાયા હતા.જેને લઇ વાલીઓ સહિત સ્થાનિક આગેવાનો એ તાત્કાલિક શાળાનું સમારકામ પૂર્ણ કરી ફરીથી મૂળ શાળા કાર્યરત કરવા માંગ કરી હતી.
વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલી વર્ગ શાળા જર્જરિત થવાના કારણે બંધ કરવાની વાત કરવામાં આવી છે. શાળા જર્જરિત હોય તો નવું મકાન બનાવવામાં આવે પણ એને બંધ કરવામાં ના આવે જેથી અમે આ પદયાત્રા કરી માંગ કરી રહ્યા છે કે આ વર્ગ શાળા ચાલુ રાખવામાં આવે...અનંત પટેલ(ધારાસભ્ય, વાંસદા)
અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્યઃ પ્રાથમિક શાળાના બાળકોને પડતી મુશ્કેલી અંગે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો.આ મામલામાં વાંસદા વિધાનસભા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભીનાર ગામના દેસાઈ ફળિયા સ્થિત પ્રાથમિક શાળાથી લઇ મુખ્ય પ્રાથમિક શાળા સુધી પદયાત્રાનું પણ આયોજન કરાયું હતું. આ પદયાત્રા માં 3 કિલોમીટરનું અંતર કાપીને વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો શાળામાં પહોંચ્યા હતા.જ્યાં વર્ગ શાળાના મુખ્ય શિક્ષકને ફરીથી દેસાઈ ફળિયા શાળા કાર્યરત કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ભીનાર ગામની વર્ગ શાળાનું મકાન જર્જરિત બનતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને મુખ્ય પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરવા મોકલાય છે. વર્ગ શાળાનું સમારકામ પૂર્ણ થયા બાદ ફરીથી શાળા શરૂ કરવામાં આવશે. તેમજ વર્ગ શાળા થી મુખ્ય પ્રાથમિક શાળા સુધી બાળકોને આવવા જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે...હરિશસિંહ પરમાર( તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વાંસદા)