નવસારી: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી છે. કોરોનાને કારણે પાટા પરથી ઉતરેલી અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચઢાવવા સરકારે કોરોના સાથે જ જીવન જીવવાની વાત કરી છે, ત્યારે અનલોક-1માં સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે જ જાહેરમાં નીકળતા નાગરિકો માટે મોઢે માસ્ક ફરજીયાત અને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
નવસારી પોલીસે ગત 3 દિવસોમાં જિલ્લામાં માસ્ક વિના બહાર નીકળનારા તેમજ જાહેરમાં થૂંકનારાઓને 300 રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગુરુવારે નવસારી શહેરના લુન્સીકુઈ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ટ્રાફિક પોલીસે માસ્ક વિનાના લોકોને પકડી દંડ ફટકાર્યો હતો. આ સાથે જ તેમને સામાજિક આગેવાનોના હાથે મફતમાં માસ્ક પહેરાવ્યાં હતા, પરંતુ કારમાં માસ્ક વિનાના જણાયેલા તેમજ વ્યવસ્થિત માસ્ક પહેર્યું ન હોય એવા લોકોને દંડ થતાં તેમણે પોલીસ કાર્યવાહી સામે રોષ ઠાલવ્યો હતો.
પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાયેલા માસ્ક વિનાના વાહન ચાલકોને દંડ કરી મફતમાં માસ્ક આપવાના કાર્યક્રમમાં કાર ચાલકોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમનું કહેવું હતું કે, કારમાં એકલા હોવાથી માસ્કની શું જરૂર છે ? આ ઉપરાંત ઘણા લોકોએ એકલા હોવા સમયે માસ્ક નહીં પહેરવાના ડૉક્ટરના સૂચન જણાવ્યાં હતાં. જેથી આવા તમામ લોકોને જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ ટીમે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસો સામે જાગરૂકતા જ એક ઉપાય છે. જેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્કનો ઉપયોગ નહીં કરવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ સાથે જ જાહેરમાં થૂંકવું પણ આરોગ્ય માટે હિતાવહ નથી. જેથી લોકો પોતે જ પોતાની જવાબદારી સમજે એ જ સમયની માગ છે.