નવસારીઃ જિલ્લામાં ચીખલી તાલુકાનાં ખુંધ ગામે વરસાદી માહોલમાં કપડા સુખવવા જતી આદિવાસી મહિલાને કરંટ લાગ્યો હતો. મહિલાને બચાવવા જતા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લાનાં આદિવાસી વિસ્તારમાં ગત થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. જેમાં ચીખલી તાલુકાના ખુંધ ગામે રહેતી આદિવાસી મહિલા મંગળવારે બે ઝાડની વચ્ચે સેન્ટીંગનો તાર બાંધ્યો હતો, જ્યાં કપડા સુખવવા જતા તેમને કરંટ લાગ્યો હતો. જેથી તેને બુમ પાડતા ઘરમાંથી કલ્પનાબેનના સસરા બચુભાઈ ઉર્ફે સુમનભાઈ પટેલ અને તેમની માતા લીલીબેન પટેલ દોડી આવ્યા હતા. બચુભાઈ અને તેમની માતાએ તરત જ વહુ કલ્પનાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતું તેઓને પણ કરંટ લાગતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
બપોરે જ્યારે બચુભાઈનો દિકરો નજીકના અન્ય ઘરેથી ટિફિન આપવા આવ્યો, ત્યારે ઘરના વાડામાં જતા તેના હોશ ઉડી ગયા હતા. સમગ્ર મુદ્દે ગ્રામીણો અને ત્યારબાદ ચીખલી પોલીસને જાણ કરતા ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતકોને પીએમ અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જયારે કરંટ લાગવા મુદ્દે હાલ વરસાદી માહોલ હોવાથી અને ઝાડની નજીકમાં જ વીજળીનો થાંભલો આવ્યો હોવાથી તેને કારણે ઝાડ પર કરંટ ઉતર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.