- યુવાનને સ્થાનિક યુવાનોએ સમજદારીથી કારમાંથી બહાર કાઢી બચાવ્યો
- યુવાન કાર સાથે સ્ટંટ કરવા જતા ડેમના ધસમસતા પાણીમાં ફસાયો હોવાની વાત
- યુવાન કિસાન કોંગ્રેસના યશ દેસાઈ અને નશામાં હોવાની ચર્ચા, પણ પુષ્ટી નહીં
નવસારી : નવસારી અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં જળસ્તર વધ્યા છે. જેમાં ગણદેવીના દેવધા ડેમ પર કાર સ્ટંટ કરવાના ચક્કરમાં જિલ્લા કિસાન કોંગ્રેસના નેતાની કાર ડેમના ધસમસતા પાણીમાં ફસાઈ હતી. જોકે ઘટના સ્થળે ઉપસ્થિત સ્થાનિક યુવાનોએ કારમાં સવાર યુવાનને સમજાવીને બહાર કાઢી લેતાં જાનહાનિ ટળી હતી.
ભારે વરસાદને કારણે અંબિકામાં પાણીની આવક વધી
ગુલાબ વાવાઝોડાની અસર નવસારી જિલ્લા પર વર્તાઇ હતી. સવારથી નવસારી અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસતા નવસારીની લોકમાતાઓ ગાડીતુર બની હતી. જેમાં ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં પાણીની આવક વધતા દેવધા ગામ નજીક આવેલો દેવડા ડેમ ઓવરફ્લો થયો છે. દેવધા ડેમ પર આસપાસના લોકો ફરવા માટે આવતા હોય છે. પરંતુ જ્યારે નદીમાં પાણીની આવક વધારે હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ લોકોને ડેમ નજીક જવાની મંજૂરી નથી હોતી, તેમ છતાં ઘણા યુવાનો ડેમ નજીક પહોંચી જતા હોય છે. નવસારી જિલ્લા કોંગ્રેસના કિસાન મોર્ચાના યશ દેસાઈની કાર લઈ એક યુવાન સ્ટંટ કરતા કાર નદીના ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ હતી. પાણીમાં ફસાતા જ કાર નદીના વહેણમાં તણાઈ જાય એવી સ્થિતિ બની હતી. ત્યારે ઘટનાસ્થળે હાજર સ્થાનિક અન્ય યુવાનોએ કારમાં ફસાયેલા યુવાનને સાવચેતી દાખવી કારમાંથી બહાર કાઢી લીધો હતો. જેના કારણે જાનહાની થતા અટકી હતી.
આ પણ વાંચો : હવે દિલ્હીના તમામ સરકારી સ્કૂલોમાં દેશભક્તિનો અભ્યાસક્રમ ભણાવાશે, CM Kejriwalએ અભ્યાસક્રમનો કરાવ્યો પ્રારંભ
કારમાં સવાર યુવાન નશામાં હોવાની ચર્ચા
દેવધા ડેમમાં ફસાયેલી કારનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વિડીયો જોતા જે યુવાન કારમાં ફસાયો હતો, જેને સ્થાનિક યુવાનોએ બહાર કાઢવા માટે સમજાવવો પડયો હતો. અને ત્યાર બાદ યુવાન કારમાંથી બહાર નીકળ્યો હતો. જેમાં કારમાં સવાર યુવાન યશ દેસાઈ જ હોય અને નશામાં ચૂર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ કારમાં યશ દેસાઈ હોય કે જે યુવાન છે એ નશામાં હોય તેની પુષ્ટી થઇ શકી નથી.
આ પણ વાંચો : સિંધુ નદીથી દક્ષિણમાં સમુદ્ર સુધીના વિસ્તારમાં રહેનારા લોકો એટલે હિન્દુ : મોહન ભાગવત