- નદીની પૂજા સાથે ફળદ્રુપતા અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
- પરંપરાગત રીતે દાળની પોળીનો ધરાવ્યો પ્રસાદ
- કોરોનાને લઈને શાંતિપૂર્ણ રીતે ઉજવ્યો તહેવાર
નવસારી: પ્રકૃતિના અલગ-અલગ તત્વોને પૂજતા પારસી સમાજે આજે આવા યઝદનો તહેવાર સાદાઈથી મનાવ્યો હતો. આવા દેવીના પૂજન માટે પૂર્ણાં નદીના કિનારે પહોંચેલા પારસીઓએ વિધિપૂર્વક પૂજા કરવા સાથે જ સમાજ અને દેશ માટે ફળદ્રુપતા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: વલસાડનું ઉદવાડા છે પારસીઓનું પવિત્ર સ્થળ, આવો કંઈક છે ઈતિહાસ...
જળદેવી એટલે પારસી સમાજના આવા દેવી
નવસારીમાં મોટી સંખ્યામાં વસનારા પારસીઓ પ્રકૃતિના તત્વોને પૂજનારા છે. જેમાંના એક આવા દેવી છે જેને પારસીઓ વિશેષ પૂજે છે. આવા મહિનો અને આજે આવા રોઝ હોવાથી પારસીઓએ આવા યઝદની પરબ તહેવાર કોરોના કાળને કારણે સાદાઈથી ઉજવ્યો હતો. પારસીઓએ પાણીના કુદરતી સ્રોતોનું આજે પૂજન કર્યુ હતું. નવસારીના વિરાવળ નજીક પૂર્ણાં નદીના કિનારે અબાલ-વૃદ્ધ સૌ સાથે પહોંચેલા પારસીઓએ વિધિવત આવા દેવીની પૂજા કરીને નદીમાં ફૂલ, રેવડી અને નારિયેળ પધરાવ્યા હતા. જ્યારે પોતાની પરંપરા પ્રમાણે વિધિ અનુસાર આવા દેવીને દાળપોળીનો પ્રસાદ ધરાવ્યો હતો. સાથે જ એકબીજાને મોં મીઠું કરાવીને શુભકામના પાઠવી હતી. પારસીઓએ આવા રોઝ મનાવી સમાજ અને દેશ માટે ફળદ્રુપતા તેમજ સમૃદ્ધિની કામના માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં પારસી સમાજના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા